• બુધવાર, 08 જુલાઈ, 2026

12.5 ઈંચ વરસાદે સુરતની ‘સૂરત’ બગાડી, જળબંબાકાર

સરથાણા સ્થિત નિવાસી આશ્રમ શાળાના 118 બાળકો અને સ્ટાફનું રેસ્ક્યૂ કરાયું શાળા અને કોલેજમાં રજા જાહેર કરી દેવાઈ દુકાનોમાં પાણી ભરાતા વ્યાપારીઓને ભારે નુકસાન કામરેજમાં 16 ઈંચ

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરત તા. 7 છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધુવાંધાર બેટીંગ ચાલી રહી છે. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડતાં ગઈકાલથી હીરાનગરી સુરતની સૂરત બગડી છે. આજે પણ વહેલી સવારે કલાકથી લખાય છે ત્યાં સુધી સાડા બાર ઇંચ વરસાદ એકલા સુરત શહેરમાં નોંધાયો છે. સુરત જિલ્લાના કામરેજમાં સોળ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતનાં વલસાડ, વાપી, નવસારી, ઉમરગામ, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં મેઘરાજા ભારે પાણી વરસાવી સામાન્ય જનથી માંડી તંત્ર સહિતનાનો બરાબરનો દાવ લઈ રહ્યા છે. 

હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ આગામી 48 કલાક ભારે વરસાદ પડે તેમ છે. આજે સવારે કલાકથી લખાય છે ત્યાં સુધી સુરત શહેરમાં 311 મીમી પાણી પડ્યું છે. ઉપરાંત કામરેજમાં 403 મીમી, પલસાણામાં 357 મીમી, બારડોલીમાં 191 મીમી, મહુવામાં 199 મીમી, અરેઠમાં 38 મીમી, અંબિકામાં 173 મીમી વરસાદ પડÎ છે.  

ભારે વરસાદને પગલે આજે સુરત શહેરની શાળા અને કોલેજમાં રજા જાહેર કરી દેવાઈ હતી. આવતીકાલે પણ ભારે વરસાદને કારણે રજાની જાહેરાત શિક્ષણાધિકારીએ કરી છે. સુરતમાં તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. આગામી 48 કલાક સુધી અધિકારીઓને હેડક્વાર્ટર છોડવા માટે સૂચના આપવામાં આવી છે. સુરતના સરથાણા સ્થિત નિવાસી આશ્રમ શાળાના 118 બાળકો અને સ્ટાફને રેસ્ક્યુ કરી સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે ખસેડાયા છે. બીજી તરફ સુરતના વરાછાના પોદાર આર્કેટની ભોંયતળિયાની તમામ દુકાનો તેમજ રીંગરોડ સ્થિત કાપડ માર્કેટમાં પણ પાણી ભરાતા વેપારીઓને મોટા નુકસાનનો અંદાજ છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી તો ક્યાંક ઘૂંટણ સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે અને સામાન્ય નાગરિકો પોતાના ઘરોમાં ફસાયા હોય તેવું બન્યું છે. શહેરની મધ્યેથી પસાર થતી ખાડી ભયજનક લેવલ ક્રોસ કરી આગળ વધી છે. 

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની હાલની સપાટી 311.96 અને રૂલ લેવલ 333 ફૂટ છે. ડેમમાં પાણીનો ઈન ફ્લો 31,406 અને આઉટ ફ્લો 800 ક્યુસેક છે તેમજ મુંબઈમાં પડી રહેલા વરસાદને પગલે નાલાસોપારા પાસે ટ્રેક પર પાણી ફરી વળતાં રેલ વ્યવહાર ખોરવાયો છે. અનેક ટ્રેનો સુરત સુધી અટકાવી દેવાઈ હતી. જેમાં પ્રીમીયમ ટ્રેનો પણ સમાવેશ થાય છે. ટ્રેનો રદ થવાને કારણે સુરત રેલવે સ્ટેશને પર મુસાફરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. 

----------------

ક્યાં, કેટલો વરસાદ ?

ડાંગ જિલ્લાના વઘઈમાં 70 મીમી, સાપુતારામાં 74 મીમી, સુબીર 140 મીમી અને આહવામાં 67 મીમી વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના વાંસદામાં 87 મીમી, ચીખલીમાં 127 મીમી, ગણદેવીમાં 156 મીમી, ખેરગામમાં 80 મીમી, જલાલપોરમાં 197 મીમી, અને નવસારી સિટીમાં 262 મીમી, વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના સોનગઢમાં 35 મીમી, ડોલવણમાં 157 મીમી, વાલોડમાં 131 મીમી, વ્યારામાં 80 મીમી, ઉચ્છલમાં 27 મીમી અને ઉકાઈ 26 મીમી વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના વલસાડ સિટીમાં 85 મીમી, કપરાડા 127 મીમી, નાનાપોંડા 108 મીમી, પારડી 102 મીમી, વાપીમાં 49, ઉમરગામમાં 52 મીમી, બોપી 76 અને ધરમપુરમાં 95 મીમી વરસાદ નોંધાયો છે.

 


ઇ-પેપરના નવા શુલ્ક