હાઇકોર્ટનો ચુકાદો ઃ મૃતકોના પરિવારને રૂા. 10 લાખનું વળતર, ગંભીર રીતે ઘાયલોને રૂા. 5 લાખની સહાય ચૂકવવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) ઃ ગુજરાત હાઈકોર્ટે એક મોટા ચુકાદામાં અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા 38 દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખી મંગળવારે હાઈકોર્ટમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ખંડપીઠે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત ઠેરવતા ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓ સહિત 38 દોષિતોને ફટકારાયેલી ફાંસીની સજા અને 11 દોષિતોને આપવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત રાખી હતી. આ સાથે જ સજા પામેલા દોષિતોને હાઈકોર્ટમાંથી પણ ફટકો પડ્યો છે. જ્યારે વિસ્ફોટ કેસના પીડિતોના પરિવારને ન્યાય મળ્યાનો અહેસાસ થયો છે. અમદાવાદમાં 26 જુલાઈ 2008માં 20 જેટલા સ્થળોએ 21 બ્લાસ્ટ કરાયા હતા જેમાં 56 લોકોનાં મોત થયા હતા તેમજ 246થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત બે દિવસ બાદ સુરતમાંથી પણ બોમ્બ મળી આવ્યા હતા. અમદાવાદ અને સુરત ધડાકા કેસ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારની કન્ફર્મેશન અરજી તેમજ 49 દોષિતોની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટના જજ એ. વાય. કોગ્જે અને જજ સમીર દવેની ખંડપીઠે પોતાના ચુકાદામાં બ્લાસ્ટ કેસના મૃતકોના આશ્રિતોને રૂ. 10 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 5 લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર 31 માર્ચ, 2027 સુધીમાં ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટના જજ જાસ્ટિસ એ. આર. પટેલે વર્ષ 2022માં આપેલો ચુકાદો દેશના ન્યાયિક ઇતિહાસમાં નોંધપાત્ર માનવામાં આવ્યો હતો, કારણ કે એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટમાં કરાયેલી અરજીઓ પર ગત માર્ચ મહિનામાં દરરોજ (ડે ટુ ડે બેઝિસ પર) સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી. આ વર્ષે જાન્યુઆરીથી કોર્ટમાં પૂર્ણ સમય દરમિયાન સુનાવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે.
આ કેસમાં ઈન્વેસ્ટિગેશન બાદ 100 લોકોના નામ ખુલ્યા હતા જે પૈકી કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવામાં આવી હતી. વર્ષ 2022માં વિશેષ કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે ફાંસીની સજાની પુષ્ટિ માટે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, જ્યારે દોષિતોએ પણ સજા સામે અપીલ કરી હતી. ચુકાદાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોર્ટમાં પ્રવેશતા દરેક મુલાકાતીની તપાસ કરવામાં આવી હતી, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડને પણ તૈનાત કરાઈ હતી.
આ કેસમાં અમદાવાદ બ્લાસ્ટ અંગેની 20થી વધુ ફરિયાદો તથા સુરતમાં બોમ્બ મળ્યાની 15 જેટલી ફરિયાદો મળીને કુલ 35 ફરિયાદોને એકત્ર કરી ટ્રાયલ ચલાવાવમાં આવી હતી. પ્રતિબંધિત આતંકી સંગઠન સીમીનો પૂર્વ નેતા સફદર નાગોરી બ્લાસ્ટ કેસમાં દોષિત ઠર્યો હતો. આ કેસમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ સહિત 11 રાજ્યોમાં દોષિતોનું કનેક્શન મળી આવ્યું હતું. પાવાગઢના હાલોલમાં પણ આતંકીઓએ તાલીમ મેળવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
ટ્રાયલ કોર્ટે 49 આતંકીઓને યુએપીએ, આઈપીસી, વિસ્ફોટક પદાર્થ કાયદો અને જાહેર સંપત્તિને નુકસાન સહિતના ગુના હેઠળ દોષિત ઠેરવ્યા હતા. તમામ દોષિતોને હત્યા, હત્યાનો પ્રયાસ, ગુનાહિત ષડયંત્ર, દેશવિરોધી પ્રવૃત્તિ તેમજ આતંકી પ્રવૃતિ બદલ સજા કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન નવ જજ સમક્ષ 1,163 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં 26 સ્ટાર સાક્ષીઓ પણ હતા. સુરક્ષાના કારણે તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી.
હાઇકોર્ટના આ ચુકાદા બાદ હવે આગળની કાનૂની પ્રક્રિયા તરીકે દોષિતો પાસે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. જો તેઓ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે તો ત્યાં આ કેસની વધુ સુનાવણી થશે. હાલ માટે ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને સંપૂર્ણ માન્યતા આપીને તેને યથાવત રાખ્યો છે.
-----------
ફાંસીની સજાના અમલ પર ત્રણ મહિનાનો સ્ટે
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા યથવત રાખતો ચુકાદો આપ્યો છે. જો કે આ ચુકાદાના અમલ પર ત્રણ મહિનાનો સ્ટે આપવામાં આવ્યો છે. આરોપીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે દાદ માંગવામાં આવી હતી. હાઇકોર્ટે પોતાના હુકમના અમલ પર ત્રણ મહિનાનો સ્ટે આપ્યો છે. આરોપીઓ હવે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમના દ્વાર ખખડાવે તેવી શક્યતા છે. જો સુપ્રીમ કોર્ટ પણ સજા યથાવત રાખે છે તો તેમની પાસે છેલ્લો કાનૂની વિકલ્પ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજીનો રહે છે તેમ કાનૂની નિષ્ણાતોએ જણાવ્યું હતું.
-------------
ફાંસીની સજા પામેલા દોષિતોની યાદી
1. ઝાહિદ ઉર્ફે જાવેદ કુતુબુદ્દીન શેખ 2. ઇમરાન ઇબ્રાહિમ શેખ 3. ઇકબાલ ઉર્ફે ઇકરાર કાસમ શેખ 4. શમ્સુદ્દીન ઉર્ફે શમ્સુ શહાબુદ્દીન શેખ 5. ગ્યાસુદ્દીન ઉર્ફે ગ્યાસુ અબ્દુલસલીમ અન્સારી 6. મોહમ્મદ આરિફ મોહમ્મદ ઇકબાલ કાગઝી 7. મોહમ્મદ ઉસ્માન ઉર્ફે ઉસ્માન મોહમ્મદ અનીસ અગરબત્તીવાળા 8. યુનુસ મોહમ્મદભાઈ મન્સૂરી 9. કમરુદ્દીન ઉર્ફે રાજા ઉર્ફે અબ્દુલ્લા ચાંદમોહમ્મદ નાગોરી 10. આમિલ પરવેઝ ઉર્ફે સિકંદર કાજી સૈફુદ્દીન શેખ 11. શિબલી ઉર્ફે સાબિત અબ્દુલ કરીમ 12. સફદરહુસૈન ઉર્ફે હુસૈનભાઈ ઉર્ફે ઇકબાલભાઈ જહીરુદ્દીન ઉર્ફે જહરુલહસન નાગોરી 13. હાફિઝહુસૈન ઉર્ફે અદનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન 14. મોહમ્મદ સાજિદ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદ ઉર્ફે સાદ ગુલામ ખ્વાજા મન્સૂરી 15. અબુબસર ઉર્ફે મુફ્તિ ઉર્ફે અબ્દુલ રશીદ ઉર્ફે અબ્દુલ્લા અબુબકર શેખ 16. અબ્બાસ ઉમર સમેજા 17. જાવેદ અહેમદ સાદિર અહેમદ શેખ (સૈયદ) 18. મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજિક ઉર્ફે મુસાફ ઉર્ફે ફુરકાન મોહમ્મદ ઇશાક મન્સૂરી 19. અફઝલ ઉર્ફે અફસર ઉર્ફે રાજા ઉર્ફે અજિત સિંહ ઉર્ફે સંજય પાંડે ઉર્ફે ઉસ્માની મુતલિબ ઉસ્માની 20. મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ બદર ઉર્ફે લાદાન બદરૂદ્દીન શેખ ઉર્ફે જુમ્મન શેખ 21. આસિફ ઉર્ફે હસન બશીરુદ્દીન શેખ 22. મોહમ્મદ આરિફ નસીમ અહેમદ મિર્ઝા 23. કયામુદ્દીન ઉર્ફે મૂસા ઉર્ફે અશફાક ઉર્ફે અબ્દુલ કાદિર ઉર્ફે રિઝવાન ઉર્ફે સમીર સરફુદ્દીન કાપડિયા 24. મોહમ્મદ સૈફ ઉર્ફે રાહુલ શર્મા ઉર્ફે કેરીસેવા સદાબ અહેમદ શેખ 25. ઝિશાન અહેમદ એહસાનઅહેમદ શેખ 26. જિયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ અબ્દુલ રહેમાન મુસ્લિમ 27. મોહમ્મદ શકીલ ઉર્ફે શકીલ યામીનખાન લુહાર 28. મોહમ્મદ અકબર ઇસ્માઇલ ચૌધરી ઉર્ફે સઈદ 29. ફઝલ-એ-રહેમાન ઉર્ફે સલાઉદ્દીન ઉર્ફે રફીક મુસદ્દિકખાન દુરાની 30. અહેમદબાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવી 31. સરફુદ્દીન ઉર્ફે શરીફ એટ સૈનુદ્દીન ઉર્ફે અબ્દુલસત્તાર ઉર્ફે સલીમ 32. સૈફ-ઉર-રહેમાન ઉર્ફે સૈફુ ઉર્ફે સૈફ અબ્દુલરહેમાન અન્સારી, 33. સાદુલી ઉર્ફે હારિસ અબ્દુલકરીમ મુસ્લિમ, 34. મોહમ્મદ તનવીર ઉર્ફે તલ્હા મોહમ્મદ અખ્તર પઠાણ, 35. આમીન ઉર્ફે રાજા અયુદ નાઝિર શેખ, 36. મોહમ્મદ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઇરફાન અબ્દુલ શકુરખાન, 37. મોહમ્મદ રફીક ઉર્ફે જાવિદ ઉર્ફે આલમઝેબ અફ્રિદી મસ્કુર અહેમદ, 38. તૌસીફખાન ઉર્ફે અતીક સગીર અહેમદખાન પઠાણ.