અમરેલીથી ગારિયાધાર જતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, અનેક ગામનો સંપર્ક ખોરવાયો
ડોળાસામાં ખેતરો તળાવમાં ફેરવાયા ઃ જૂનાગઢમાં 139 વીજ પોલ ધરાશાયી ઃ માંગરોળમાં 40 ઈંચ વરસાદથી નુકસાની-વળતર આપવા માગ ઃ વેરાવળમાં મકાનની દિવાલ ધરાશાયી
રાજકોટ, તા. 7 ઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદની સ્થિતિ હળવી થતા જ ખાનાખરાબીના દૃશ્યો સામે આવ્યા છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા નુકસાન થયું છે. જ્યારે કેટલાક ગામોના રસ્તા બંધ થઈ જતા તથા વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને હેરાનગતિ ભોગવવી પડી છે.
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે લાઠી અને લીલીયા પંથકમાં ગાગડિયો નદી બે કાંઠે વહેતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે અનેક ગામોનો સંપર્ક ખોરવાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.
લાઠી તાલુકાની ગાગડિયો નદીમાં ભારે પૂરનાં કારણે અમરેલીથી ગારિયાધાર જતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે. આ ઉપરાંત ટિંબડીથી ભોરીંગડા, કૂતાણાથી ભોરીંગડા તેમજ કૂતાણાથી સનાલિયા ગામ જવાના માર્ગો પણ પાણી ફરી વળતાં બંધ થઈ ગયા છે.
સનાલિયા ગામ પાસે ગાગડિયો નદીમાં આવેલા ભારે પૂરથી આસપાસના વિસ્તારોમાં પાણી ફેલાઈ જતાં હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ છે. બીજી તરફ ટિંબડી ગામ તરફ જવાના તમામ માર્ગો બંધ થતાં ગામ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
બાબરા ચાવંડ ચમારડી જામબરવાળા હીરાણા ખાખરીયા સહિતના રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ઉભરાતા રોડ રસ્તા સહિત સીમ વિસ્તારના રસ્તા કલાકો સુધી બંધ રહ્યા હતા. વીજપડી નજીક ડાયવર્ઝન ધોવાતા સાવરકુંડલા-મહુવા નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થયો હતો. અનેક કાર-ટ્રક સહિતના વાહનો અટવાઈ જતા હાલાકી ભોગવવી પડી હતી.
ખારા ગામમા પાણી ઘુસી જતા બેટમાં ફેરવાયું હતું. નીચાણવાળા વિસ્તારોમા મકાનોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકસાન થયું હતું. વરસાદને કારણે બે કાચા મકાનો ધરાશાયી થયા હતા.
કોડિનારના ડોળાસા પંથકમાં તા. 1 જુલાઈ થી સતત વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેતરો તળાવ મા ફેરવાયા છે. હજુ અનેક ખેડૂતોને વાવણી બાકી છે. લાંબી વરાપ નહિ નીકળે ત્યાં સુધી વાવણી કાર્ય પૂર્ણ નહિ થાય તેમ ખેડૂતો જણાવે છે.
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ચાર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાઈ જવાના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું સાથે વિદ્યુતબોર્ડને પણ વ્યાપક નુકસાન થયું હતું તેમાં 139 વીજપોલ અને 10 ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા હતા. ઉપરાંત 10 જેટલા ટ્રાન્સફોર્મરને પણ નુકસાન પહોંચ્યું હતું અથવા તે પડી ગયા હતા. હાલ ખેતીવાડી ફીડરની અંદર પાવર રીસ્ટોરેશનની કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે હજુ ખેતીવાડીના 50 જેટલા ફીડર શરૂ કરવાના બાકી છે. માણાવદર સબ ડિવિઝન હેઠળ આવતા વિનાયક જ્યોતિગ્રામમાં પાંચ થાંભલા પડી ગયા હતા.
ઉમરાળામાં ત્રણ ઈંચ વરસાદ વચ્ચે ગોપાલવાડી વિસ્તારમાં કરશનભાઈ પાટડિયાના ઘર નજીક વીજળી પડી હતી જેનાથી દીવાલને તથા આજુબાજુના ઘરોમાં વીજ ઉપકરણોને નુકસાન થયું હતું.
માંગરોળમાં 36 કલાકમાં 40 ઈંચ કરતાં વધુ વરસેલા વરસાદથી થયેલી નુકશાની, તારાજીનો તાત્કાલિક સર્વે કરી સહાય આપવા માંગરોળ તાલુકા કોંગ્રેસે મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી, પશુપાલકોના પશુધન, ખેતરોનું ધોવાણ થયું છે. જેની નુકસાનીનું વળતર આપવા તથા અબોલ પશુઓ માટેનો ઘાસચારો પલળી ગયો હોઈ, અસરગ્રસ્તોને ટોકનરેટથી ચારો પુરો પાડવા ઉપરાંત ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ રસ્તાના ધોવાણ અંગે તાત્કાલિક ધોરણે સમારકામની માંગ કરી છે.
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે લાઠી તાલુકાના ચાવંડ ગામમાં ભારે નુકસાન સર્જાયું છે. દેવીપૂજક વાસમાં પાણી ઘૂસી જતાં એક કાચું મકાન ધરાશાયી થયું હતું. જેમાં એક બાળકને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર, પોલીસ અને સ્થાનિક ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી આશરે 50 જેટલા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ં ભારે વરસાદના કારણે 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
વેરાવળ શહેરના સટ્ટા બજાર વિસ્તારમાં લોહાણા વંડી નજીક આવેલા એક બંધ અને જર્જરિત મકાનની આગળની દિવાલ ગત મોડીરાત્રે ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. દિવાલનો મોટો કાટમાળ સીધો મુખ્ય માર્ગ પર પડતાં બજારને જોડતો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.
ભાવનગર શહેરના ખારગેટ વિસ્તારમાં આવેલ જગદીશ મંદિર રોડ, દાણાપીઠ પાછળ, નાનભા શેરી, શુક્લ ફળી, પાર્વતીપતેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જર્જરિત હાલતમાં દિવાલ અચાનક વરસાદના કારણે ધડાકાભેર અવાજ સાથે ધસી પડી હતી. આ બનાવમાં 1 થી 2 લારીને નુકસાન થયું હતું.
તળાજા પંથકમાં સતત વરસાદને કારણે આમળા ગઢુલા ગામ વચ્ચે આવતું નાળુ ધસમસતા પાણીમા તણાયું હતું. નાળું ધોવાઈને બે ભાગમાં વહેંચાઈ જતા ખંઢેરાથી ગોપનાથ જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. ગઢુલા ગામના કેટલાક નીચાણવાળા વિસ્તારના મકાનમાં પાણી ભરાયા હતા.જેને લઈ રહીશો પરેશાન થયા હતા.જ્યારે ઉચડીનું તળાવ સહેજ ક્ષતિગ્રસ્ત થતા તાત્કાલિક સમારકામ કરીને વધુ નુકશાન થતા અટકાવી દેવામાં આવ્યું હતુ.