• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

ઉત્તર પ્રદેશના વધુ એક માફિયાને 32 વર્ષે સજા

ઉત્તર પ્રદેશના પૂર્વ વિધાનસભ્ય અને માફિયા ડૉન મુખ્તાર અન્સારીને 32 વર્ષ જૂના હત્યા કેસમાં દોષિત ઠેરવી જન્મટીપની અને એક લાખ રૂપિયાના દંડની સજા મળી છે. અૉગસ્ટ 1991માં અવધેશ રાયની ધોળે દિવસે ગોળીઓ વરસાવી હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન અજય રાય પણ ત્યાં હતા જે અવધેશના નાના ભાઈ છે. હાલ અજય રાય કૉંગ્રેસના નેતા છે.

મુખ્તાર અન્સારીના નામે આ એક કેસ નથી બીજા ડઝનેક છે જેમાં હત્યા, હત્યાના પ્રયાસ, જબરદસ્તીથી જમીનનો કબજો લેવો, ખંડણી વસૂલવી વગેરેનો સમાવેશ થાય છે. જોકે, મુખ્તાર અન્સારીના કેસની ફાઈલ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ઝડપથી આગળ વધી છે. આ માટે ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર હોવાનું માનવામાં આવે તો કંઈ ખોટું નથી. કારણ કે જ્યારથી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા છે ત્યારથી રાજ્યમાં નાના મવાલીથી લઈ માફિયા ડૉન વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવ્યાં છે જેમાં અનેક ગુનેગારો પકડાયા છે અથવા તો તેઓ રાજ્ય છોડી ભાગી ગયા છે.

યોગી સરકારના દોરમાં મુખ્તાર અન્સારી પર નોંધાયેલા કેસોની ફાઈલોને યુપી પોલીસે તેજીથી આગળ વધારી છે એમાં કોઈ શંકા નથી. કોર્ટમાં જોરદાર દલીલો અને પુરાવા, સાક્ષીઓના પગલે મુખ્તાર અન્સારીને હવે બીજા કેસમાં સજા થવી નક્કી મનાય છે. આ જ કારણ છે કે ક્યારેક આતંકનું બીજું નામ મનાતા મુખ્તાર અન્સારી હવે ખુદ ડરના ઓછાયામાં જીવી રહ્યા છે. એટલું જ નહીં, 2021માં એક કેસની સુનાવણી દરમિયાન મુખ્તાર અન્સારીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે મને ઍન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો છે, એટલું જ નહીં મુખ્તારે સર્વોચ્ચ કોર્ટમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી સાથેના પોતાના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે હું તેમના કુટુંબમાંથી આવું છું. ઓડિશાના ગવર્નર રહેલા શૌકાતુલ્લા અન્સારી, જસ્ટિસ આસિફ અન્સારી પણ કુટુંબના સભ્યો છે એવો દાવો કર્યો હતો.

બહુજન સમાજવાદી પક્ષના વિધાનસભ્ય રહેલા મુખ્તાર અન્સારીએ પંજાબની જેલથી ઉત્તર પ્રદેશ શિફ્ટ કરવાનો વિરોધ કર્યો હતો અને હત્યાનો ડર વ્યક્ત કર્યો હતો. જોકે, અતિક અહમદની જેમ જેલમાં શિફ્ટ થતી વેળા તેના પર કોઈ હુમલો થયો નહોતો. કોર્ટમાં તેમની વિરુદ્ધ હત્યાનો જે કેસ ચાલી રહ્યો હતો તેમાં તેમને આજીવન કારાવાસની સજા થઈ છે.  મુખ્તાર અન્સારીના કેસમાં પોલીસ ડાયરી ગુમ કરી દેવામાં આવી હતી. જેમાં પોલીસ તપાસની રજેરજ વિગતો હતી. જોકે, ડાયરી ગુમ થવા બદલ મુખ્તાર પર આરોપ મૂકી તેના પર કામ ચલાવી આ ગુના માટે પણ ઘોષિત ઠેરવવામાં આવ્યો છે. કોર્ટની સજાથી લોકોનો હવે ન્યાયતંત્રમાં વિશ્વાસ વધુ દૃઢ બન્યો છે. લોકો યોગી સરકારમાં સુરક્ષિત હોવાનું અનુભવી રહ્યા છે. પોલીસે જે કાર્યક્ષમતા સાથે મુખ્તાર અન્સારી કેસનો છેલ્લે સુધી પીછો કરી તેને સજા અપાવી તે બદલ પોલીસને ધન્યવાદ. મુખ્તાર અન્સારીને મળેલી સજા બીજા માફિયા ડૉન માટે સબકરૂપ બની રહેવી જોઈએ. ન્યાયતંત્રએ પુરવાર કર્યું છે કે, આરોપી કયા ઉચ્ચ કુટુંબમાંથી આવે છે તે સજા આપતી વેળા લક્ષમાં લેવાતું નથી પણ તેના ગુનાની ગંભીરતા જોવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક