• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

વડા પ્રધાનની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની બેઠક

ઇન્ડિયા બ્લૉકના મુખ્ય પ્રધાનોનો બહિષ્કાર છતાં મમતા બેનરજી, હેમંત સોરેન રહેશે હાજર

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 26 : ‘ઈન્ડિયા’ ગઠબંધનના મુખ્ય પ્રધાનોએ ભેદભાવપૂર્ણ બજેટ મુદ્દે ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરવા શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી નીતિ આયોગની મીટિંગનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ‘ઈન્ડિયા’ ગઠબંધનના સહયોગી હોવા છતાં દિલ્હીમાં આયોજિત નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સામેલ થવાનું નક્કી ર્ક્યું  છે. મમતા બેનરજીએ બેઠકમાં ઉપસ્થિત રહેવાની ભલે પુષ્ટિ કરી હોય પરંતુ દિલ્હી જતાં પહેલાં તેમણે જે કહ્યું એ પરથી લાગે છે કે પ. બંગાળ સાથે થયેલા ભેદભાવ અંગે વિરોધ નોંધાવી તેઓ મીટિંગમાંથી વૉકઆઉટ કરે એવી શક્યતા છે. દીદીએ કહ્યું હતું કે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન પણ નીતિ આયોગની બેઠકમાં સામેલ થવાના છે.

રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે મમતા બેનરજીના આ પગલાંનો અર્થ એ નથી કે ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં ફૂટ પડી છે. તેઓ પ.બંગાળ માટે ભંડોળ માગવા માટે બેઠકમાં હાજર રહેવાના છે. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે એ કોંગ્રેસની સાથે છે, પરંતુ એ દર વખતે કોંગ્રેસના કહેવા મુજબ નહીં ચાલે. શહીદ દિવસે યોજાયેલી રૅલી માટે તેમણે અખિલેશ યાદવને નિમંત્રણ આપ્યું હતું જે કોંગ્રેસ માટે એક સ્પષ્ટ સંદેશો હતો કે સ્થાનિક ક્ષત્રપો મજબૂત છે અને કોંગ્રેસની કઠપૂતળી બની નહીં રહે.

ભાજપની એનડીએ સરકારના સહયોગી દળો જનતા દળ (યુ) અને ટીડીપીને રાજી રાખવા ભેદભાવપૂર્ણ બજેટ માટે કેન્દ્ર સરકારની નિંદા ર્ક્યા બાદ કોંગ્રેસ શાસિત વિપક્ષી રાજ્યો સાથે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનું નક્કી ર્ક્યું છે.

બેઠકના બહિષ્કારની જાહેરાત સૌથી પહેલાં તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને ચેન્નઈમાં કરી હતી. એ પછી કોંગ્રેસે જણાવ્યું કે હિમાચલ પ્રદેશના સુખવિંદર સિંહ સિક્ખુ, કર્ણાટકના સિદ્ધારમૈયા અને તેલંગણાના રેવંથ રેડ્ડી સહિત તેના મુખ્ય પ્રધાનો પણ બેઠકમાં સહભાગી નહીં થાય. આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ સરકારના મુખ્ય પ્રધાન ભગવંત માને પણ બેઠકના બહિષ્કાર નિર્ણય લઈ ‘ઈન્ડિયા’ ગઠબંધન સાથે હોવાનું દર્શાવ્યું છે.  કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને વડા પ્રધાનને પત્ર લખીને બેઠકમાં સહભાગી થવા અંગે અસમર્થતા વ્યક્ત કરી છે અને રાજ્યના નાણા પ્રધાન કે. બી. બાલાગોપાલને તેમની જગ્યાએ બેઠકમાં ભાગ લેવા નિયુક્ત ર્ક્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક