• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

હવે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ આવશે

વર્તમાન ટોલ યંત્રણા સમાપ્ત કરાશે: કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીની રાજ્યસભામાં ઘોષણા: હાલમાં પસંદગીના ટોલનાકે શરૂઆત

નવી દિલ્હી, તા. 26 : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વર્તમાન ટોલ યંત્રણા સમાપ્ત કરવાની સાથે ઉપગ્રહ આધારિત સેટેલાઇટ ટોલ કલેકશન સિસ્ટમ શરૂ કરવાની ઘોષણા કરી હતી. તેમણે આજે જણાવ્યું હતું કે, સરકાર ટોલ સમાપ્ત કરી રહી છે અને ટૂંક સમયમાં ઉપગ્રહ આધારિત ટોલ સંગ્રહ પ્રણાલી શરૂ કરવામાં આવશે. આ નવી પ્રણાલી લાગુ પાડવા પાછળનો હેતુ ટોલ કલેકશનને વધારવાના અને ટોલ નાકા પર લાગતી લાઇનને ઘટાડવાનો છે.

રાજ્યસભામાં એક લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય વૈશ્વિક નેવિગેશન સેટેલાઇટ (એનએસએસ) લાગુ કરવા જઇ રહ્યું છે. આ હાલમાં માત્ર પસંદગીના ટોલનાકા પર લાગુ પાડવામાં આવશે. ગડકરીએ કહ્યું કે અમે ટોલ સમાપ્ત કરી રહ્યા છીએ અને ઉપગ્રહ આધારિત ટોલ પ્રણાલી અમલી બનશે. તમારા બેંક ખાતામાંથી સીધા રૂપિયા કપાઇ જશે અને તમે જેટલું અંતર કાપશો તેટલા જ હિસાબે ટોલ લેવામાં આવશે. આ પગલાંથી સમય અને રૂપિયા બંનેની બચત થશે. મુંબઇથી પૂણે જવામાં પહેલાં નવ કલાક લાગતા હતા, હવે તે ઘટીને બે કલાક રહી ગયા છે.

આ પહેલાં ડિસેમ્બર-23માં ગડકરીએ આ નવી પ્રણાલીની જાહેરાત કરતાં કહ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (એનએચએઆઇ)નું લક્ષ્ય માર્ચ-2024 પહેલાં આ નવી પ્રણાલી લાગુ કરવાનું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક