• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિમાં 14,552 લોકોનું સ્થળાંતર અને 1,617નું રેસ્ક્યૂ

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા સૌથી વધુ સુરત જિલ્લામાંથી 3707 લોકોને સ્થળાંતરિત કરાયા અને આણંદમાંથી 540 લોકોનું રેસ્કયૂ કરાયું

આશ્રિતોને ભોજન, પીવાના પાણી, જરૂરી દવા, સૂવા માટે ગાદલા, ચાદરો સહિતની આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવાઇ

અમદાવાદ, તા. 26: સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારમાં સતત અનરાધાર વરસાદ વરસ્યા બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે ત્યારે ધોધમાર વરસાદના કારણે નદી-નાળા ભરાતા ડેમ ઓવરફલો થયા છે અને સાંબેલાધાર વરસેલા વરસાદના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સતત મોનીટરીંગ કરીને રાહત બચાવ કામગીરી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે યુધ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચી છે. જેને ધ્યાને લઈ છેલ્લા બે દિવસમાં કુલ 14,552 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે પોતાના વિસ્તારમાં ફસાઈ ગયેલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં કુલ 1,617 નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આજે નવસારીની પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે. જેના પરિણામે નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત 2200 લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારી તાલુકાના અડદા ખાતે કનાઈ ખાડીમાં પાણી વધતા ફસાયેલા સાત લોકોનું નવસારી ફાયર ટીમ દ્વારા સલામ રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થાને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત આશ્રિતોના વ્યક્તિઓને સુરક્ષિત રીતે ખસેડીને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં અસરગ્રસ્ત આશ્રિતો ભોજન, પીવાના પાણી, જરૂરી દવા, સુવા માટે ગાદલા, ચાદરો સહિતની આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત ગતરાત્રીએ સુરતના મહુવા તાલુકામાં બે કલાકમાં સાડા 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પરિણામે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી. પૂર્ણા નદીમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી જતાં પ્રસાશન દ્વારા તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું હતું. જેમાં મહુવા તાલુકાના મહુવા, રાણત, બુધલેશ્વર અને મિયાપુર ગામમાંથી કુલ 171 લોકોની પ્રાથમિક શાળા અને શાપિંગ સેન્ટર ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક