• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

પેરિસ ઓલિમ્પિકનો રંગારંગા પ્રારંભ : બોટમાં ખેલાડીઓની પરેડ

ઓલિમ્પિકના 329 ઇવેન્ટમાં ઉતરશે 10,714 એથલિટ, ભારત તરફથી 117 ખેલાડી ઓલિમ્પિકમાં ઉતરશે

પેરિસ, તા. 26 : ફ્રાન્સમાં પેરિસ ઓલિમ્પિક 2024ની રંગારંગ શરૂઆત થઈ ચુકી છે. ઓલિમ્પિકના 128 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ઓપનિંગ સેરેમની નદી ઉપર યોજાઈ હતી. જેમાં 100 જેટલી બોટમાં ખેલાડીઓએ પરેડ કરી હતી. સીન નદી પેરિસની વચ્ચોવચ્ચથી પસાર થાય છે અને ખેલાડીઓની પરેડ પેરિસના અલગ અલગ જાણીતા સ્થળોએથી પસાર થઈ હતી. આ ઓપનિંગ સેરેમનીના સેંકડો દર્શકો સાક્ષી બન્યા હતા. જેમાં દેશ-િવદેશના કલાકારોએ કૃતિઓ પણ પ્રસ્તુત કરી હતી.

પેરિસની રંગીન સાંજે સીન નદીના કિનારે દમદાર કાર્યક્રમ સાથે પેરિસ ઓલિમ્પિકની શરૂઆથ થઈ ચૂકી છે. ઓલિમ્પિક આયોજક આયોજન માટે યોગ્ય મેજબાન શહેર શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમણે 2017માં યુવાનો વચ્ચે ફરીથી રમતનું આકર્ષણ વધારવા રોમાન્સના શહશેર પેરિસને પસંદ કર્યું છે. ઓલિમ્પિક દર ચાર વર્ષના ગાળે થાય છે પણ પેરિસ ઓલિમ્પિકનું આયોજન અલગ છે કારણ કે ત્રણ વર્ષના ગાળા બાદ આયોજિત થઈ રહ્યો છે.

પેરિસ ઓલિમ્પિકનું ઉદ્ઘાટન પણ અનોખું રહ્યું હતું કારણ કે કાર્યક્રમ કોઈ સ્ટેડિયમમાં નહીં પણ નદી ઉપર થયો હતો. 10,500 ખેલાડી 90થી વધારે બોટ ઉપર સવાર થઈને છ કિલોમીટરની પરેડ કરી હતી. આ દરમિયાન સીન નદીના કિનારે સેંકડોની સંખ્યામાં દર્શક હાજર રહ્યા હતા. ભારત તરફથી આ વખતે 117 એથલિટ આયોજનમાં ભાગ લઈ રહ્યા છે. આશા છે કે પેરિસ ઓલિમ્પિક ભારત માટે સૌથી સફળ બની રહેશે. ભારતે 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં સાત પદક જીત્યા હતાં. જે અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે અને આ વખતે વધુ સારા પ્રદર્શનની આશા છે. ભારતીય ખેલાડીઓ 16 રમતમાં દાવેદારી નોંધાવવાના છે.

પેરિસથી 15 હજાર કિમી

દૂર પણ ઇવેન્ટ

પેરિસ ઓલિમ્પિકનું આયોજન માત્ર પેરિસમાં જ નહીં પણ ફ્રાન્સની રાજધાનીથી સેંકડો કિમી દૂરનાં સ્થળે પણ થશે. ફૂટબોલના મેચ નીસ, બોર્ડુ, નાંતેસ અને લિયોનમાં રમાશે. બાસ્કેટબોલ અને હેંડબોલના મુકાબલા લિલ્લમાં થશે. શૂટિંગ ઇવેન્ટસ શાતોહૂમાં થશે. એક ઇવેન્ટ પેરિસથી 15716 કિમી દુર ફ્રેન્ચ પોલિનિજિયામાં આયોજિત થશે. જે ફ્રાન્સની ઓવરસીઝ ટેરેટરીઝમાં આવે છે.

બ્રેકિંગની રમત

પેરિસ ઓલિમ્પિકમાં બ્રેકિંગ એટલે કે બ્રેકડાન્સની રમત ડેબ્યૂ કરવા જઈ રહી છે. પેરિસ ઓલિમ્પિકના આયોજકોના અનુરોધ ઉપર ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ વાર્ષિક અધિવેશનમાં બ્રેકિંગની રમતને લીલીઝંડી આપી હતી. આ ઉપરાંત સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગને પણ આ વખતે જગ્યા મળી છે. બ્રેકિંગના બે ઇવેન્ટ થશે. બી બોયઝ અને બી ગર્લ્સ પ્રતિયોગીતા 9 અને 10 ઓગસ્ટના થશે.

સુરક્ષામાં 40 દેશનો સાથ

આ વખતે ઓલિમ્પિકમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્રાન્સ સરકારની અપીલ ઉપર 40 દેશે પોતાના તરફથી ફોર્સ ઉપલબ્ધ કરાવી છે. જેમાં ભારત પણ સામેલ છે. જર્મની, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, દ.કોરિયા, સ્પેન અને યુએઇના સુરક્ષા દળ સંબંધિત કર્મચારી પણ પેરિસ ગયા છે. ફ્રાન્સે યુરોપોલ અને બ્રિટિશ સરકાર સાથે સમજૂતી કરી છે. જેના હેઠળ બ્રિટિશ આર્મીએ સ્ટારસ્ટ્રીક મિસાઇલ તૈનાત કરી છે.

વ્યક્તિગત દળનો સમાવેશ

પ્રતિયોગીતામાં અમુક ખેલાડી એવા પણ જોવા મળશે જેનાં નામની આગળ એઆઇએન લખેલું હશે. આ ઇન્ડિવિડયુલ ન્યુટ્રલ એથલિટના દળ માટેનો કોડ છે. જેમ ભારત માટે આઇએનડીનો ઉપયોગ થાય છે તેવી જ રીતે એઆઇએનનો ઉપયોગ થશે. હકીકતમાં રશિયા અને બેલારૂસ માટે ઓલિમ્પિકના દરવાજા બંધ છે. જો કે બન્ને દેશના અમુક ખેલાડીઓને એઆઇએન હેઠળ એન્ટ્રી મળી છે.

મહિલા અને પુરુષ ભાગીદારી 50-50 ટકા

પહેલા ઓડર્ન ઓલિમ્પિકનું આયોજન 1896માં થયું હતું. જેમાં મહિલા ખેલાડીઓ શૂન્ય હતી. ઓલિમ્પિકના બીજા સંસ્કરણનું મેજબાન પેરિસ હતું અને ત્યારે 22 મહિલાએ ભાગ લીધો હતો. 100 વર્ષ બાદ જ્યારે પેરિસમાં ફરી આયોજન થઈ રહ્યું છે ત્યારે 49 ટકાથી વધુ મહિલા ખેલાડી ભાગ લઈ રહી છે. એટલે કે સો વર્ષ બાદ ઓલિમ્પિકમાં લૈંગિક સમાનતાનો આંકડો 50-50એ પહોંચ્યો છે. ઓલિમ્પિકનો સમાપન સમારોહ સ્ટે ડી ફ્રાન્સમાં થશે. જેની ક્ષમતા 77,803 દર્શકોની છે. આ આયોજનમાં બ્રેકિંગ ઇવેન્ટનો સમાવશે થયો છે. તેમાં 33 ખેલાડી ભાગ લેવાના છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક