• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

મહિલા એશિયા કપના ફાઇનલમાં ભારત-શ્રીલંકાની ટક્કર

સેમિફાઇનલમાં ભારતે બંગલાદેશને 10 વિકેટે કચડયું : પાકિસ્તાનને હરાવી શ્રીલંકાની ફાઇનલમાં એન્ટ્રી

દામ્બુલા, તા. 26 : ટીમ ઇન્ડિયાએ મહિલા એશિયા કપ 2024ના ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારતે શુક્રવારે ટૂર્નામેન્ટના પહેલા સેમીફાઇનલમાં બંગલાદેશને 10 વિકેટે હરાવ્યું હતું. બંગલાદેશે દામ્બુલાનાં મેદાનમાં 81 રનનું લક્ષ્ય રાખ્યું હતું. જેને ભારતે 11 ઓવરમાં વિના વિકેટે મેળવી લીધું હતું. ઓપનર સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં નોટઆઉટ 55 રન કર્યા હતા. જેમાં નવ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. શેફાલી વર્માએ 28 બોલમાં બે ચોગ્ગાની મદદથી નોટઆઉટ 26 રનની ઇનિંગ રમી હતી. ભારતે સતત નવમી વખત ટૂર્નામેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવી છે. અત્યારસુધીમાં ટૂર્નામેન્ટના તમામ ખિતાબી મુકાબલા રમ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત સૌથી સફળ ટીમ છે. જેણે સાત વખત ટ્રોફી પોતાનાં નામે કરી છે અને હવે હરમનપ્રીત કૌરની આગેવાનીની ટીમની નજર આઠમા ખિતાબ ઉપર રહેશે.

જેમાં ભારતીય ટીમ રવિવારે શ્રીલંકા સામે ટકરાશે. શ્રીલંકાએ બીજા સેમી ફાઇનલમાં પાકિસ્તાનને 3 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

બંગલાદેશે ભારત સામે સેમીફાઇનલમાં નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટનાં નુકસાને 80 રન કર્યા હતા. બંગલાદેશ માટે કેપ્ટન નિગાર સુલ્તાનાએ સર્વાધિક રન કર્યા હતા. તેણે 51 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી. શોર્ના અખ્તર 18 બોલમાં 19 રન કરીને નોટઆઉટ રહી હતી. ભારત માટે રેણુકા ઠાકુર અને રાધા યાદવે ધારદાર બોલિંગ કરી હતી. રેણુકાએ ચાર ઓવરમાં 10 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી જ્યારે રાધાએ 14 રન આપીને ત્રણ શિકાર કર્યા હતા. પૂજા વત્રાકર અને દીપ્તિ શર્માને એક એક વિકેટ મળી હતી. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી બંગલાદેશની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી  જ ઓવરમાં રેણુકાએ વિકેટ લીધી હતી. બાદમાં ત્રીજી અને પાંચમી ઓવરમાં રેણુકાએ બંગલાદેશને ઝટકો આપ્યો હતો. બંગલાદેશે 44 રનમાં જ છ વિકેટ ગુમાવી દીધી હતી. તેવામાં નિગાર અને શોર્નાએ સાતમી વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી અને સ્કોર 80 રન સુધી પહોંચાડયો હતો. બંગલાદેશના સાત ખેલાડી ડબલ અંક સુધી પહોંચી શક્યા નહોતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક