• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

રાજ્યસભામાં ખેડૂતોને ટેકાના ભાવની કાનૂની ગેરન્ટીની માગ સરકાર સતત ટેકાના ભાવ વધારી રહી છે : કૃષિ પ્રધાન

નવી દિલ્હી, તા. 26 : ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એ માટે કેન્દ્ર સરકાર અનાજના ટેકાના ભાવમાં સતત વધારો કરી રહી છે, એમ કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આજે રાજ્યસભામાં જણાવ્યું હતું. વિપક્ષ કૉંગ્રેસે મોદી સરકાર ખેડૂત વિરોધી હોવાનું આળ મૂકીને ટેકાના ભાવની કાનૂની ગૅરન્ટીની માગ કરતા ચૌહાણે રાજ્યસભામાં ઉત્તર આપ્યો હતો. કાનૂની ગૅરન્ટીના જવાબમાં ચૌહાણે જણાવ્યું હતું કે, એનડીએ સરકારના કાર્યકાળમાં સરકાર સતત કૃષિ ઉત્પાદનોના ટેકાના ભાવમાં સંભવ વધારો કરી રહી છે.

ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, એમએસપી (ટેકાના ભાવ) માટે સરકારની કમિટી સતત ખેડૂતો સહિતના અસરકર્તાઓ સાથે વાતચીત કરી રહી છે અને ભલામણો કરે એ પ્રમાણે સરકાર તત્કાળ એના પર કામ કરી રહી છે, કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા પ્રતિબદ્ધ છે. ચૌહાણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે કૉંગ્રેસની આગેવાની હેઠળ કેન્દ્રમાં સરકાર હતી ત્યારે સ્વામીનાથન પંચની ભલામણોને અભેરાઇએ મૂકી દેવાઇ હતી.

ચૌહાણે ગૃહમાં માહિતી આપી હતી કે, 2013માં બાજરાના ટેકાના ભાવ 1250 રૂપિયા હતા, જે વધીને આજે 2625 રૂપિયા છે. આ રીતે જ, મકાઇના ભાવ 1310થી વધીને 2225 રૂપિયા, ઘઉંના ભાવ 1400થી વધીને 2275 રૂપિયા, તુવેર દાળના ભાવ 4500થી વધીને 7550 રૂપિયા કરાયા છે. આ ઉપરાંત, ખેડૂતોને સીધી આર્થિક સહાયરૂપે સરકાર પીએમ કિસાન સન્માન નિધિરૂપે દર વર્ષે સાત હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ આપે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક