• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ખાંભા-ડેડાણમાંથી સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચવાનું મોટું કારસ્તાન ઝડપાયું ખાંભામાંથી 123 કટ્ટા ચોખા, 12 કટ્ટા ઘઉં સાથે 10 લાખનો મુદ્દામાલ સીઝ કરરાયો

ડેડાણમાં ટેમ્પામાંથી 35 કટ્ટા ઘઉં અને એક રહેણાંકમાંથી 55 કટ્ટા ચોખાનો જથ્થો ઝડપાયો

અમરેલી, તા.26 : અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં પ્રશાસન દ્વારા દરોડા પાડી ગેરકાયદે ચાલતા સસ્તા અનાજનાં કૌભાંડો ઝડપી પાડવામાં આવ્યાં હતાં. ખાંભા શહેર અને ડેડાણમાંથી ગરીબોના હક્કનું સસ્તા અનાજનો મોટો જથ્થો ઝડપી પાડી સપાટો બોલાવ્યો હતો.

ખાંભા શહેરમાંથી રેશનિંગના સસ્તા અનાજનો જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની બાતમીના આધારે ખાંભા મામલતદારે ગત રાત્રિના ખાંભાના બ્લોક બનાવવાના બંધ કારખાના નજીક દરોડો પાડયો હતો. જેમાં રેશનિંગના ઘઉં, ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ટ્રકમાં ચોખા અને ઘઉં બારોબાર જતા રહે તે પહેલાં મામલતદાર ખાંભા દ્વારા ચોખા 123 કટ્ટા, ઘઉં 12 કટ્ટા સાથે અઢી લાખનો રેશનિંગનો જથ્થો ઝડપાઈ ગયો હતો જ્યારે 2 છકડો રિક્ષા અને 1 ટ્રક સહિત 10 લાખનો મુદ્દામાલ મામલતદારે સીઝ કરી દીધો હતો. આ સસ્તા અનાજનું કૌભાંડ જૂનાગઢ જિલ્લાના વિસાવદરના શખસ ફૈઝલ દ્વારા આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

બીજી બાજુ ડેડાણ ગામમાંથી પણ મોટા પ્રમાણમાં રેશાનિંગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ડેડાણ ગામેથી સસ્તા અનાજનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાયો હતો. ટેમ્પામાંથી 35 કટ્ટા ઘઉં અને એક શખસના રહેણાક મકાનમાંથી 55 કટ્ટા ચોખાનો જથ્થો ઝડપાઈ આવ્યો હતો. તંત્ર દ્વારા જથ્થો સીઝ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં ચલાલા શહેરમાંથી પણ સસ્તા અનાજનો મોટો જથ્થો પકડાયો હતો. તેવામાં અમરેલી જિલ્લામાં અન્ય સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવે તો મોટું અનાજનું કૌભાંડ ચાલતું હોવાનું પણ સામે આવે તો નવાઈ નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક