• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ચાંદીપુરાએ વધુ 4નો ભોગ લીધો: મૃતકઆંક 48 થયો

ધ્રાંગધ્રાના વિરેન્દ્રનગર ગામે ખેતમજૂરની પાંચ વર્ષની બાળકીમાં શંકાસ્પદ કેસ દેખાયો : બોટાદના તુરખા ગામે સર્વેલન્સની સઘન કામગીરી

અમદાવાદ, ધ્રાંગધ્રા, બોટાદ,  તા. 26: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બાળકોમાં વાઇરલ એન્કેફેલાઈટિસ (ચાંદીપુરા)ના કેસો સતત વધી રહ્યા છે. તેમાં વિતેલા 24 કલાકમા વધુ ચાર મૃત્યુ થતાં કુલ મૃતઆંક 48 પર પહોંચ્યો છે. ધ્રાંગ્રધાના વિરેન્દ્રનગર ગામે ખેતમજૂરની પાંચ વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.

ગુજરાત રાજ્યના 127 કેસો પૈકી સાબરકાંઠા 2, અરવલ્લી 3, મહીસાગર 2, ખેડા 2, મહેસાણા 2, રાજકોટ 3, સુરેન્દ્રનગર 1, અમદાવાદ કોર્પોરેશન 5, ગાંધીનગર 2, પંચમહાલ 6, જામનગર 2, મોરબી 3, ગાંધીનગર કોર્પોરેશન 2, દાહોદ 2, વડોદરા 2, નર્મદા 1, બનાસકાંઠા 3, વડોદરા કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, સુરત કોર્પોરેશન 1, ભરૂચ 1, તેમજ જામનગર કોર્પોરેશન 1 એમ કુલ 48 દર્દીઓ મૃત્યુ પામ્યાં છે.

ધ્રાંગ્રધા તાલુકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેતમજૂરો બહારથી આવીને વાડી વિસ્તારમાં મજૂરી કામ કરે છે ત્યારે તાલુકાના વિરેન્દ્રગઢ ગામે  એક ખેતમજૂરની પાંચ વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા ધાંગધ્રા સરકારી દવાખાને સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં અને બાળકીના નમૂના લઈને મોકલવામાં આવ્યાં હતાં.

રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અન્વયે સર્વેલન્સ તથા ડસ્ટીંગ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વાડી  વિસ્તારમાં આઈઆરએસ પ્રેનો છટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ તકેદારીના પગલા લેવા ગ્રામજનોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે. બોટાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતાં તમામ ગામોમાં ચાંદીપુરા રોગ અંગે સર્વેની કામગીરી કરવામાં આવી હતી સાથે સાથે સેન્ડફ્લાય અટકાયતી પગલાના ભાગરૂપે મેલેથ્યોન પાઉડર છંટકાવ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના ચાંદીપુરાના હાલ 42 દર્દી દાખલ છે તથા 37 દર્દીઓને રજા આપી છે. આરોગ્યની ટીમ કુલ 42,637 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક