• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

સ્ટીલના ભાવ ઘટતા અલંગ શીપબ્રાકિંગ ઉદ્યોગમાં નિરાશા

બાંગ્લાદેશ અને પાકિસ્તાનની માર્કેટમાં મંદીનો માહોલ : અંદાજપત્રમાં ઉદ્યોગને કશું ન મળ્યું

રાજકોટ, તા. 26(ફૂલછાબ ન્યૂઝ) : અલંગ શીપ બ્રાકિંગ યાર્ડ બાબતે અંદાજપત્રમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ક્રેપ લોખંડમાંથી ખીલાસરી બને તે મુદ્દે છૂટછાટો મળે તો ઉદ્યોગમાં તેજી આવે એવી શક્યતા હતી પણ નાણાપ્રધાને કશું કહ્યું નથી એનાથી નિરાશા છે. વાહનોના ક્રેપ યાર્ડનો મુદ્દો પણ બજેટમાં ચર્ચાયો નથી. બીજી તરફ સ્ટીલના ભાવમાં વધારો થવાને લીધે ગયા મહિને દેખાયેલી થોડી રોનક ફરીથી નિરાશામાં પલ્ટી છે, કારણ કે સ્થાનિક સ્ટીલ પ્લેટના ભાવ ઘટી ગયા છે.

ભારત અને બાંગ્લાદેશમાં બન્ને દેશનાં ચલણ ઘસાયાં છે અને તેનાં કારણે સ્થાનિકમાં સ્ટીલ પ્લેટના ભાવ વધારે ઢીલાં પડયા છે. શીપ બ્રાકિંગ ઉદ્યોગમાં અત્યારે બાંગ્લાદેશ અને ભારતનું અલંગ એમ બે જ પ્રદેશ સક્રિય છે. પાકિસ્તાન અને તૂર્કીમાં ખાસ કોઈ કામકાજ થતા નથી. વહાણોની કિંમત વધતી જાય છે સામે પ્લેટના ભાવ ઘટે છે, માગનું તત્ત્વ પણ નબળું છે.

અલંગના એક શીપ બ્રેકર કહે છે કે, મધ્ય પૂર્વમાં રાજકીય પરિસ્થિતિ, અખાતી દેશોમાં હૂથી હુમલાઓને લીધે ડહોળાયેલું વાતાવરણ કદાચ 2024ના અંત સુધી જહાજોના પુરવઠાને પૂરતા પ્રમાણમાં આવવા દેશે નહીં એવું જણાય છે.

ભારતીય શીપબ્રેકરો જહાજમાં ડ્રાયબલ્કમાં 500 ડોલર, ટેન્ડરમાં 520 અને કન્ટેઇનરમાં 530 ડોલરનો ભાવ ઓફર કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં 510થી 540 ડોલરના ભાવ ચાલે છે. તૂર્કીમાં 360-380 અને પાકિસ્તાનમાં 490-520 ડોલરનો ભાવ ઓફર થાય છે.

અત્યારે જહાજી નૂરભાડાં સારા છે અને કન્ટેઇનરોની શોર્ટેજ છે એ કારણે જહાજો પાણીમાં વધુ સંખ્યામાં તરતા રહેશે. ભાંગવા માટે ઓછા આવશે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિદ્યાર્થી રમખાણોની તીવ્રતામાં વધારો થયો છે, પરિણામે મૃત્યુઆંકમાં વધારો થયો છે અને મોટા શહેરોમાં મોબાઇલ અને ઇન્ટરનેટ આઉટેજમાં વધારો થયો છે જે હવે મુખ્ય નાણાકીય કેન્દ્રોને અસર કરી રહ્યાં છે.

ભારતીય બજારની નજર અંદાજપત્ર પર હતી પણ કોઈ નકારાત્મક બાબત સામે આવી નથી. જોકે હકારાત્મક જાહેરાતો પણ થઈ નથી. અલંગ વિષે નાણાપ્રધાને શબ્દ નહીં ઉચ્ચારતા બજારમાં નિરાશા છે.

ઇ-પેપરના નવા શુલ્ક