• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

અમરેલીમાં સગીરા સાથે ગેંગરેપ આચરનાર પાંચ શખસને આજીવન કારાવાસની સજા


અપહરણ કરી કૃત્ય આચરી વીડિયો ઉતારી ફોટા પાડી બ્લેકમેઇલિંગ કરતા’તા

અમરેલી, તા.19 : અમરેલીમાં એક પરિવારની સગીરવયની પુત્રીનું અપહરણ કરી પાંચ શખસ દ્વારા ગેંગરેપ આપવાના કેસમાં કોર્ટે પાંચેય શખસને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસ (કુદરતી મૃત્યુ સુધી)ની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, અમરેલીમાં રહેતા એક પરિવારની સગીરવયની પુત્રીનું અમરેલીના મોટા કસ્બાવાડમાં રહેતા અને મોબાઇલનો ધંધો કરતા ઈમરાન ઉર્ફે ઈમુ હનીફસેયદ કાદરી તે (કિશન ચંદુ સોલંકી)તથા અમરેલીમાં જૈન દેરાસર પાસે રહેતા રિક્ષાચાલક યાહીયા ઉર્ફે આયર્ન યુનુસ લુલાણિયા, અમરેલીના જાવેદ ઉર્ફે જીવલો મજીદ પઠાણ (ખલીફા), અમરેલીના અસગર શબીર મજેઠિયા(ખલીફા) અને અમરેલીના કસબાવાડમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના અરબાઝ ઉર્ફે અબુ દીલવર હુશેન ભટીનામાં પાંચ શખસે પાંચેક વર્ષ પહેલા સગીરાનો પીછો કરી અને બાદમાં અપહરણ કરી નદી કાંઠે લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને સગર્ભા બનાવી દીધી હતી તેમજ સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું તેમજ સગીરાનો વીડિયો ઉતાર્યે હતો અને ફોટા પાડી બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું.

આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પાંચેય શખસ સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. દરમિયાન આ અંગેની કેસ ચાલી જતા કોર્ટે પાંચેય શખસને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા અને રૂ.30 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યે હતો.

ઇ-પેપરના નવા શુલ્ક