ઉંઝાનો ભાવ રૂ. 4700-5200ની રેન્જમાં
અથડાઇ જવાની સંભાવના
રાજકોટ, તા.4(ફૂલછાબ ન્યૂઝ)
: જીરુંનું બમ્પર ઉત્પાદન ચાલુ વર્ષે થયું છે. આશરે 105 લાખ ગુણીના પાક પૈકી 60 લાખ
ગુણીની આવક થઇ ગયાના અંદાજ પછી પણ ભાવમાં મંદી છવાયેલી રહેતા કિસાનો નિરાશ છે. કિસાનોએ
ગયા વર્ષે 13 હજારનો ભાવ જોયો હતો એટલે આ વખતે ઉત્પાદન રેકોર્ડબ્રેક થયું છે પણ હવે
ઉંચો ભાવ થવાની રાહ ખેડૂતો જોઇ રહ્યા છે. જીરુંનો ભાવ મબલક પુરવઠાને લઇને ઉંચે આવવાની
શક્યતા બહુ ઓછી છે તેમ અભ્યાસુ ટ્રેડરોએ કહ્યું હતુ.
ઉંઝાના એક અભ્યાસુ અને નિકાસકાર
કહે છેકે, અમારા મતે 60 લાખ ગુણી જેટલું ઉત્પાદન બજારમાં ઠલવાઇ ગયું હોવું જોઇએ. એમાંથી આશરે 30 લાખ ગુણી નિકાસમાં ગઇ
હશે. જોકે આ વર્ષે પુરવઠો જ વધારે પડતો છે એટલે માલનો નિકાલ કરવાનું મુશ્કેલ બની રહ્યું
છે. આવક નબળી હોય ત્યારે માગ રહે તો ભાવ વધી જાય છે પણ સુધારો આવે એટલે ખેડૂતો વેચવા
નીકળી પડે એટલે બજાર ફરી ઢીલી પડી જાય છે. બજારમાં આ ટ્રેન્ડ લાંબા સમયથી ચાલી રહ્યો
છે.
ભાવ પંદરેક દિવસ પૂર્વે વધ્યા
પછી નરમ પડતા જાય છે, તેનું કારણ આવક છે. ઉંઝા સહિત સમગ્ર ગુજરાતમાં જીરુંની આવક ફરીથી
વધી ગઇ છે. ઉંઝામાં 13 હજાર ગુણી અને સમગ્ર ગુજરાતમાં આશરે 15-17 હજાર ગુણી વચ્ચે આવક
રહે છે. જે માગ સામે વધારે છે એટલે ભાવ દબાય છે. ચાલુ સપ્તાહમાં જીરૂના ભાવમાં રૂ.150-175
જેટલો ઘટાડો થઇ ગયો છે. ઉંઝામાં સુપર માલનો ભાવ રૂ. 4800-4900, બેસ્ટમાં રૂ.
4700-4800, મધ્યમમાં રૂ.4600-4700, એવરેજ માલમાં રૂ.4500-4600 અને ચાલુ માલમાં રૂ.4400-4500ના
ભાવમાં કામકાજ થઇ રહ્યા છે.
જીરૂમાં માગ ઘણી મર્યાદિત છે.
લોકલ બજારમાં ઠીકઠાક કામકાજ થાય છે. નિકાસકારો દ્વારા મુંદ્રા પહોંચની શરતે એક ટકાનો
ભાવરૂ.5200 અને 2 ટકાનો ભાવ રૂ. 5150 બોલવામાં આવે છે. નિકાસકારો કહે છેકે, ચાલુ સીઝનમાં
સવા બે લાખ ટન જેટલી નિકાસ થઇ જવાનો અંદાજ છે.
જીરૂ બજારની રૂખ આપતા જાણકારોએ
કહ્યું કે, માલસ્ટોક પૂરતો છે એ જોતા ભાવમાં તેજી મુશ્કેલ છે. ઉંઝામાં મંડી ભાવ રૂ.
4700-5200ની રેન્જમાં અથડાય એવી શક્યતા વધારે છે. જોકે નવા વાવેતર ભાવિ ચાલ નક્કી કરશે.
વાવેતરનો સમય મહિના પછી શરૂ થશે અને તેના અહેવાલો ક્યા પ્રકારના આવે છે તે મહત્ત્વનું
સાબિત થશે. જીરુંને આ વર્ષે ચણા, ઘઉં અને રાયડા જેવા પાકની હરિફાઇનો સામનો કરવો પડશે.
જીરુંના ભાવ પણ ઘટયા હોવાથી ખેડૂતો વાવેતર થોડું ઘટાડે એવી શક્યતા નકારી શકાતી નથી.
વાવેતર ઘટે તો લાંબા ગાળે સુધારો થઇ શકે છે.