• સોમવાર, 31 માર્ચ, 2025

‘િવદ્યાર્થીઓ જાતે કાપા મારે જ નહીં, શિક્ષકો જવાબદારી ચૂક્યા’

મુંજિયાસરની ઘટનામાં રહસ્ય ઘૂંટાય છે, બાળકોએ શા માટે પોતાના હાથમાં કાપા માર્યા ?

શિક્ષણમંત્રીએ કહ્યું પૂર્ણ તપાસ થશે

બગસરા, તા.ર6: બગસરાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાના બાળકોએ પોતાના હાથ ઉપર બ્લેડ, પેન્સિલની અણી કાઢવાના શાર્પનરથી કાપા પાડયા હોવાની ઘટનાના અત્યંત ઘેરા પ્રત્યાઘાત પડયા છે. એકસાથે 40 બાળકોએ આવું કૃત્ય સ્કૂલમાં કર્યુ તેને લીધે શિક્ષણક્ષેત્ર હતપ્રભ છે. જો કે શિક્ષકો કહે છે અમે આમાં ક્યાંય નથી પરંતુ વાલીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે.

બાળકોના વાલીઓ શૈલેષભાઈ સાવલિયા તેમજ રસિકભાઈ રાઠોડ કહે છે કે, ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે. શિક્ષકો પોતાની  જવાબદારીમાંથી છટકવાની વાત કરી રહ્યા છે. તેમના ઉપર કડક કાર્યવાહી થાય. વાલીઓને મિટિંગ દરમિયાન કોરા કાગળમાં સાઈન કરાવી આ સમગ્ર ઘટનાને શિક્ષકો દ્વારા દબાવવાની અને પોતાની જવાબદારી નથી આવતી લખાવી પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી વાલીઓ ઉપર દોષનો ટોપલો ઢોળવા પ્રયત્ન કર્યો છે.

તપાસ માટે દોડી આવેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિયાણીના જણાવ્યા અનુસાર કોઈ વાતમાં આવી બાળકોએ આવું પગલુ ભર્યુ છે. જેના માટે વિશેષ તપાસની જરૂરિયાત જણાઈ રહી છે.

-----

બાળકોએ જાતે જ પોતાને ઈજા પહોંચાડી

બાળકોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે. જેમાં બાળકોએ જાતે જ પોતાને ઈજા પહોંચાડી હોવાથી બાળકોનું કૃત્ય થયું હોવાનું સાબિત થતું નથી. મોબાઈલ ગેઈમ દ્વારા એક ટાસ્ક આપી એક કાપાના 10 રૂપિયા આપવામાં આવશે તે પ્રકારના ટાસ્કને આગળ વધારવા બાળકોએ આ કૃત્ય કર્યુ હોઈ તેવું લાગી રહ્યું છે. તેમ છતાં આગળ તપાસમાં કંઈ ખુલશે તો પગલા લેવામાં આવશે.

- જયવીર ગઢવી (એસ.પી.)

 

આપણા માટે આ રેડ સિગ્નલ સમાન

આ આઠ દિવસ પહેલાનો બનાવ છે. 40 નહીં પરંતુ 10 થી 1ર બાળકો છે. બાળકોએ જાતે કાપા માર્યા, આ આપણા માટે રેડ સિગ્નલ સમાન છે. એક ચિંતાનો વિષય છે. મેં રિપોર્ટ મંગાવ્યો છે. સમગ્ર ઘટના અંગે તપાસ થશે. મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે. ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય, એનું જે બ્લેડ હોય તે હારી જાય તો સામે-સામે મારે વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઈવેટ હોય આપણા માટે આ રેડ સિગ્નલ છે. આપણા માટે આ ડેન્જરસ વાત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબત ગંભીરતા લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ, એની ખૂબ તજજ્ઞો સાથેની મીટીંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઈન્સ પણ નક્કી કરવાના છીએ. આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માણસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રુરતાથી પોતાના શરીર ઉપર આવું કરતા હોય નાના બાળકો, તો એ એક હિંસાત્મક વાત છે.            - શિક્ષણ મંત્રી

 

શાળા પરિસરમાં બાળકોને કંઈ પણ થાય તો જવાબદારી શિક્ષકોની

શાળા પરિસરમાં બાળકોને કંઈ પણ થાય તો જવાબદારી શિક્ષકોની બને. જે જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી રહ્યા છે અને વાલી મિટિંગમાં પણ વાલીઓ પાસેથી શિક્ષકોએ લખાવી લીધેલુ હતું કે, જો આવા કિસ્સામાં બાળકોને કંઈ પણ થાય તો આમાં કોઈપણ જવાબદારી શિક્ષકોની રહેશે નહીં. વધુમાં પંચાયતને પણ જાણ કરી નથી અને આ સમગ્ર ઘટના બની ગયા પછી પણ બાળકોને આરોગ્ય શાખામાં બતાવી ધનુરનું ઈન્જેક્શન પણ દેવામાં આવ્યું નહોતું.

- ગામના સરપંચ: જયસુખભાઈ ખેતાણી

મિટિંગ બોલાવી વાલીઓને જાણ કરી’તી

બાળકોએ વીડિયો ગેમના આધારે રમત રમી ટાસ્ક પૂરો કરવા આવું કર્યુ હતું. જ્યારે આ બાબતની જાણ અમને થઈ ત્યારે વાલી મિટિંગ બોલાવી હતી અને વાલીઓને જાણ કરી હતી. જ્યારે અમે જિલ્લા શિક્ષણ અધિકારી કે તાલુકા શિક્ષણ અધિકારીને કે તાલુકા પંચાયતમાં પણ જાણ કરી નહોતી.

- હર્ષાબેન મકવાણા (આચાર્ય)

ઇ-પેપરના નવા શુલ્ક