ગુજરાત યુનિવર્સિટીમાં પણ 15મી માર્ચે જ ભરતી પરીક્ષા હોઈ અરજદારોને એક તક જતી કરવી પડે એવી સ્થિતિ
રાજકોટ, તા.3 : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
દ્વારા તારીખ 15મી માર્ચના રોજ બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે પરીક્ષા લેવાશે. ગુજરાત
યુનિવર્સિટીમાં પણ આ જ તારીખે ભરતી પરીક્ષા હોઈ બન્ને સંસ્થામાં અરજી કરવા માગતા ઉમેદવારોને
બેમાંથી એક તક જતી કરવી પડે એમ છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી પરીક્ષાની
તારીખ 15મી માર્ચની જગ્યાએ અન્ય કોઈ રાખે એવી માગ કરાઈ છે. આ અંગે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને
રજૂઆત કરાઈ છે. જેમાં જણાવ્યું છે કે હાલમાં
જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી બિન-શૈક્ષણિક
સ્ટાફની ભરતી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ તરફથી ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી
છે. યુનિવર્સિટી દ્વારા વિવિધ વર્ગ-3ની જગ્યાઓ માટેની ‘પરીક્ષા-અ’ તારીખ 15 માર્ચ,
2026 રવિવારના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. તે જ દિવસે ગુજરાત યુનિવર્સિટી દ્વારા
પણ સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા યોજાનાર
છે.
આ પરીક્ષામાં હજારોની સંખ્યામાં એવા ઉમેદવારો છે
જેમણે બન્ને યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યા છે. રાજકોટ અને અમદાવાદ વચ્ચેના અંતરને જોતા
એક જ દિવસે બન્ને શહેરોમાં પહોંચીને પરીક્ષા આપવી ઉમેદવારો માટે અશક્ય છે. વિદ્યાર્થીઓ
લાંબા સમયથી સરકારી અને અર્ધ-સરકારી ભરતીઓની રાહ જોતા હોય છે. આ પ્રકારના અસમંજસભર્યાં
આયોજનને કારણે વિદ્યાર્થીઓને કોઈપણ એક પરીક્ષાની તક જતી કરવી પડશે. વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને, ગુજરાત
પ્રદેશ એનએસયુઆઈ દ્વારા વતી પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા વિનંતી કરાઈ છે કે સૌરાષ્ટ્ર
યુનિવર્સિટી દ્વારા લેવાનારી 15 માર્ચ, 2026ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે
અથવા અન્ય કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી ગુજરાતના કોઈ પણ ઉમેદવારે
તક ગુમાવવી ન પડે.