• શુક્રવાર, 06 માર્ચ, 2026

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત

ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો

(ફૂલછાબ ન્યુઝ)

વડોદરા તા.5 : વડોદરામાં કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગઇકાલે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રિયંકા પ્રજાપતિ મૂળ બનાસકાંઠાના જિલ્લાના વતની છે. પ્રિયંકાબેન વડોદરાના આજવા રોડ સ્થિત નવજીવન પાસે રહેતા હતા. તેઓ પી.એસ.આઇ.ની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હતા. જેથી તેમની એક મિત્ર ગઇકાલે રાત્રીના સમયે લેખિત પરીક્ષાનું મટીરીયલ આપવા માટે ગઇ હતી. ત્યારે તેમણે દરવાજો ખખડાવતા કોઇએ ખોલ્યો ન હતો. જેથી દરવાજો તોડીને અંદર જોતા પ્રિયંકા પ્રજાપતિ પંખા પર ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી આ મામલે તાત્કાલિક બાપોદ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રિયંકાએ તાજેતરમાં જ પી.એસ.આઇ.ની દોડની પરીક્ષા પાસ કરી હતી અને હાલ તેઓ લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હોવાથી છેલ્લા 10 દિવસથી રજા પર હતા. મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતને પગલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતને પગલે પોલીસ દ્વારા તેમના પરિવારને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક