• રવિવાર, 17 મે, 2026

20મીએ સૌરાષ્ટ્રના કેમિસ્ટ પણ દેશવ્યાપી હડતાલમાં જોડાશે ઓનલાઇન દવાઓના વેચાણના વિરોધમાં હડતાલનું એલાન

અમરેલી, જામ ખંભાળિયા, તા. 16:  દેશભરમાં ઓનલાઇન ફાર્મસી, નિયમોના ઉલ્લંઘન અને દવાની આડઅસરો સામે વિરોધ નોંધાવવા માટે આગામી 20 મે 2026, બુધવારના રોજ સમગ્ર ભારતના અંદાજે 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના કેમિસ્ટ પણ જોડાશે.

અમરેલી :  દેશભરના કેમિસ્ટ વેપારીઓ દ્વારા આગામી તા.20, બુધવારના રોજ ભારત બંધના આહ્વાનને સમર્થન આપતા અમરેલી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન દ્વારા પણ દવા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિયેશને જણાવ્યા મુજબ દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને દવા વ્યવસાયમાં વધતી ગેરરીતિઓના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોટા કોર્પોરેટ ગ્રુપ અને ઓનલાઈન પ્લેટફોર્મના વધતા પ્રભાવને કારણે નાના અને મધ્યમ કેમિસ્ટોના વ્યવસાય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. સાથે જ સસ્તી દવાઓના નામે ગુણવત્તા અને સેવા ઉપર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા હોવાનું જણાવ્યું છે.

આગામી તા.20 ના રોજ અમરેલીની દવા બજાર બંધ રહેશે, પરંતુ જીવનજરૂરી દવાઓ માટે શહેરમાં ન્યૂ મેડિકલ સ્ટોર (ટાવર પાસે), જનરલ મેડિકલ સ્ટોર (શાક માર્કેટ પાસે), પટેલ મેડિકલ એજન્સી (મોટા બસ સ્ટેશન સામે), હરિ મેડિકલ સ્ટોર (ગોળ હોસ્પિટલ, ચિતલ રોડ) અને ગણેશ મેડિકલ સ્ટોર (ચક્કરગઢ રોડ, ધાનાણી ચોક)ખુલ્લા રાખવામા આવશે.

જામ ખંભાળિયા :  આ રાષ્ટ્રવ્યાપી બંધને જામ-ખંભાળિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશને પણ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે અને સ્થાનિક સ્તરે તમામ કેમિસ્ટો આ હડતાલમાં જોડાશે.ખંભાળિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશના પ્રમુખ હિતેશભાઇ ગોકાણી જણાવ્યા અનુસાર, ઈ-ફાર્મસી અને ઓનલાઇન દવાઓના વેચાણને કારણે અનેક બિનનિયમિત પ્લેટફોર્મ કાર્યરત થયા છે, જે નિયમોનું પાલન કર્યા વિના દવાઓ વેચી રહ્યા છે. આના કારણે ડોક્ટરના યોગ્ય પ્રિક્રિપ્શન વગર દવાઓ વેચાઈ જવાનો ભય, દર્દીઓને ખોટી કે નકલી દવાઓ મળવાની શક્યતા અને સ્થાનિક લાયસન્સધારક કેમિસ્ટો સામે અસમાન સ્પર્ધા જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. કટોકટીના સમયમાં ઇમરજન્સી દવાઓ મળી રહે તે માટે જામ-ખંભાળિયામાં વિજય સિનેમા રોડ, ટેલી નદીના પુલ પાસે આવેલ શ્યામ મેડિકલ સ્ટોર ખાતે ખાસ વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવીં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક