• રવિવાર, 17 મે, 2026

જૂનાગઢ મહાપાલિકાની ફાયર ભરતીમાં હેવી વાહન ટેસ્ટ કારથી લેવાતા ઉમેદવારોમાં રોષ

જૂનાગઢ, તા.16 : મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ડ્રાઇવર કમ ઓપરેટરની ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. વર્ષ 2024 દરમિયાન જાહેર કરાયેલી આ ભરતી માટે આજે ટેસ્ટ યોજાઈ હતી, પરંતુ પરીક્ષા પદ્ધતિ સામે ઉમેદવારોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ઉમેદવારોના કહેવા મુજબ ફાયર વિભાગમાં હેવી વાહન ચલાવવાની ફરજ હોવા છતાં ટેસ્ટ હેવી વાહનના બદલે સ્વીફ્ટ કાર દ્વારા લેવામાં આવી હતી. આ કારણે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને ગોલમાલ થવાની શંકા વ્યક્ત થઈ હતી.

ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે, સમગ્ર પરીક્ષા ખાનગી એજન્સીના હવાલે સોંપવામાં આવી હતી અને મનપાના જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર નહોતા. ઉમેદવારોનું કહેવું હતું કે પરીક્ષા દરમિયાન પાસ કે નાપાસ અંગે કોઈ લેખિત પુરાવો આપવામાં આવ્યો નહોતો અને માત્ર અંતિમ પરિણામમાં પોતાનો ક્રમ તપાસવા જણાવાયું હતું. જેના કારણે પારદર્શિતાના પ્રશ્નો ઊભા થયા હતા.

ખાનગી એજન્સીના કર્મચારીઓએ બચાવ કરતા જણાવ્યું હતું કે, ઉમેદવારો પાસે પહેલેથી હેવી વાહનનું લાયસન્સ હોવાથી ફરી હેવી વાહનની ટેસ્ટ લેવાની જરૂર રહેતી નથી. જોકે ઉમેદવારોએ આ દલીલ નકારી ભરતી પ્રક્રિયા રદ કરવાની માગ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારએ જણાવ્યું હતું કે, હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ મળી નથી, પરંતુ રજૂઆત આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક