SOG ટીમે દરોડો પાડીને ગેસના બાટલા સહિત રૂ.43,650નો મુદ્દામાલ જપ્ત કર્યો
મોરબી, તા.16 : જિલ્લાના ઢુવા
ચોકડી વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને પેટ્રાલિંગ દરમિયાન એ.કે. હોટેલની
નીચે આવેલી એક દુકાનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળતા તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો
હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી વાંકાનેરના વાકિયાનો હનીફ હુશેન બાવરા (ઉં.વ.47)
પોતાની દુકાનમાં કોમર્શિયલ ગેસના બાટલાઓ ગેરકાયદે સંગ્રહિત કરી અન્ય બાટલાઓમાં નોઝલની
મદદથી ગેસ રિફીલીંગ કરતો હતો.
આ કામગીરી ખૂબ જ જોખમી હતી કારણ
કે તેમાં કોઈ પ્રકારની અગ્નિશામક અથવા ફાયર સેફ્ટી સાધનો રાખવામાં આવ્યા ન હતા. આરોપી
આ પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ મેળવવાના ઇરાદે લોકોની સુરક્ષાને અવગણતો હોવાનું તપાસમાં
સામે આવ્યું છે. ગેસ જેવા જ્વલનશીલ પદાર્થો સાથે બેદરકારીપૂર્વક વ્યવહાર કરવાથી કોઈપણ
સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સંભાવના હતી. પોલીસે સ્થળ પરથી કુલ 25 જેટલા ખાલી
અને ભરેલા કોમર્શિયલ ગેસ બાટલાઓ, અન્ય કંપનીના બાટલાઓ, એક વજન કાંટો તથા રિફીલીંગ માટે
ઉપયોગમાં લેવાતી સામગ્રી સહિત અંદાજે રૂ.43,650નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે
કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.