એ-વન
બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સ સીલ, ફૂડ વિભાગે પાંચ નમૂના લીધા
જામનગર,
તા. 7 : જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી
બિરયાની સહિતની નોનવેજ વાનગીઓ આરોગ્યા બાદ 35થી વધુ લોકોને ફૂડ પોઇઝાનિંગની અસર થઈ
હોવાની ઘટના સામે આવી છે. અસરગ્રસ્તોને સરકારી જી. જી. હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં
આવ્યા હતા. હાલ જી. જી. હોસ્પિટલમાં 11 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી
માહિતી મુજબ, તા. 4 ઓક્ટોબરની રાત્રે લોકોએ અહીંથી બિરયાની, ચિકન ટીક્કા અને ચિકન લોલીપોપ
સહિતની વાનગીઓ ખરીદી હતી. બીજા દિવસે સવારે પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી સહિતની તકલીફો
શરૂ થતાં ફૂડ પોઇઝાનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાના
ફૂડ વિભાગની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનહાઇજેનિક સ્થિતિ જોવા મળતાં
કેટરર્સને સીલ કરવામાં આવ્યું હતું. ટીમે ખાદ્યપદાર્થોના પાંચ નમૂના લઈ લેબોરેટરીમાં
મોકલ્યા છે તેમજ સ્થળેથી મળી આવેલા આશરે 25 કિલો અનહાઇજેનિક ચાવલનો સ્થળ પર જ નાશ કરવામાં
આવ્યો હતો. લેબોરેટરીના અહેવાલ બાદ ફૂડ પોઇઝાનિંગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.