• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

મોરબીમાં આંગડિયા પેઢીના મેનેજરે કરી રૂ. 1.08 કરોડની ઉચાપત

મોરબી, તા.7: મોરબીમાં આવેલી એક આંગડિયા પેઢીના વર્ષો જૂના વિશ્વાસુ કર્મચારીએ રૂ.1.08 કરોડની ઉચાપત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સપ્ટેમ્બર માસમાં 1.08 કરોડની રકમ ઓફિસમાં જાણ કર્યા વગર લઈને જતા રહ્યા બાદ દોઢ મહીને સંપર્ક થયો હતો. સમાધાનના બહાને સમય પસાર કરી હિસાબ ન આપતા ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ રહેતા પ્રદીપભાઈ અરાવિંદભાઈ પટેલે રોહિત સુરેશભાઈ પટેલ (રહે.વીસનગર, મહેસાણા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ફરિયાદીની ભાગીદારી પેઢીમાં છેલ્લા ચાલીસ વર્ષથી પટેલ બાબુલાલ કાન્તિલાલ એન્ડ કુ. આંગડીયા ગુજરાતમાં અલગ અલગ શહેરમાં બ્રાંચ ચલાવે છે. મોરબીમાં ધરતી ટાવર, બાલાજી ચેમ્બર સામે પટેલ બાબુલાલ કાન્તિલાલ આંગડીયા નામની ઓફીસમાં પંદરેક વર્ષથી મેનેજર રોહિત સુરેશ પટેલ કામ કરતો હતો. જે આંગડીયાને હિસાબ-કિતાબ સંભાળતો હતો. ગત તા.28-07ના રોજ રોહિત પટેલે આંગડિયાની આવક-જાવકની કુલ રૂ.1.08 કરોડ જેટલો હિસાબ આપ્યા વગર તેની સાથેના સહકર્મચારી લાલાભાઈ ઠાકોર અને પેઢીના કોઈ વ્યક્તિને કહ્યા વગર સાંજે જતા રહ્યા હતા. જે અંગે       લાલાભાઈએ જાણ કરતા ફરિયાદીએ રોહિતને ફોન કરતા ફોન બંધ આવતો હતો. જ્યારે પરિવારના કોઈ સભ્યો પણ કંઈ જવાબ આપતા ન હતા. બાદમાં દોઢેક મહિના બાદ રોહિત પટેલનો સંપર્ક થયો હતો. જેથી તેને હિસાબ બાબતે પૂછતાં કોઈ હિસાબ આપ્યો નથી અને હિસાબ આપી દેવાના બહાને સમાધાન કરી લેશું કહીને સમય પસાર કરતો હતો. આખરે હિસાબ ન આપતા રોહિત સુરેશ પટેલે છેતરપીડી વિશ્વાસઘાત કરી મોરબી આંગડીયા પેઢી ઓફિસના હિસાબમાં ગોટાળો કરી રૂ.1.08 કરોડની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે મોરબી એ.ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક