• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીતદોસાંજના કોન્સર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી

અમદાવાદ, તા. 7 : અમદાવાદમાં ફરી એક વખત સંવેદનશીલ સ્થળો અને શાળાઓને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. ખાલિસ્તાની નેશનલ આર્મીના નામે મોકલાયેલા ઈ-મેઇલમાં આગામી 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા દિલજીત દોસાંજના કોન્સર્ટને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. ધમકી બાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી.

ઈ-મેઇલમાં અમદાવાદની અનેક શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. વેજલપુરની ઝાયડસ સ્કૂલ ઓફ એક્સેલન્સ, બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, એસજીવીપી સ્કૂલ છારોડી, સંત કબીર સ્કૂલ, થલતેજની એશિયા સ્કૂલ, એચ.બી. કાપડિયા સ્કૂલ, મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ અને બોપલની ડીપીએસ સ્કૂલ સહિતની શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધારી સઘન ચાકિંગ કરવામાં આવ્યું હતું.

ધમકીની માહિતી સામે આવતા વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. કેટલાક સ્થળોએ વાલીઓ બાળકોને ઘરે લઈ જવા માટે શાળાઓ તરફ દોડી ગયા હતા. બીજી તરફ દાણાપીઠ સ્થિત એએમસી કચેરી અને ગુજરાત હાઈકોર્ટ સહિતના સંવેદનશીલ સ્થળોએ પણ ચાકિંગ હાથ ધરાયું હતું. સદનસીબે તપાસ દરમિયાન કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી. પોલીસે ધમકીભર્યા ઈ-મેઇલની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. અગાઉ પણ ગુજરાત વિધાનસભા, ગાંધીનગર કોર્ટ અને અમદાવાદની શાળાઓને આવી ધમકીઓ મળી ચૂકી છે.

ઇ-પેપરના નવા શુલ્ક