• શનિવાર, 21 નવેમ્બર, 2026

ધારીના જીરા ગામની સીમમાં કૂવામાં ખાબકતાં સિંહનું મોત

ગીર પંથકમાં ખુલ્લા તથા જોખમી કૂવાઓ વન્યપ્રાણીઓ માટે જીવલેણ

અમરેલી, તા.19 ઃ ગિરના જંગલ અને આસપાસના વિસ્તારોમાં વન્યપ્રાણીઓની સુરક્ષા સામે વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા ગામની સીમમાં આવેલા એક ખેતરના કૂવામાં ખાબકતાં અંદાજે 2થી 3 વર્ષના સિંહનું મોત નીપજ્યું છે. ખેતરમાં આવેલો કૂવો સિંહના મોતનું નિમિત્ત બનતાં વન્યજીવ સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ધારી તાલુકાના જીરા ગામની સીમમાં અશોકભાઈ પરશોતમભાઈ બાંભરોલિયાના ખેતરમાં આવેલા પેરાપેટવાળા કૂવામાં ગત તા.18ના રોજ રાત્રિના અંધકાર દરમિયાન એક સિંહ ખાબક્યો હતો. કૂવામાં પાણી ભરેલું હોવાથી બહાર નીકળવામાં નિષ્ફળ રહેલા સિંહનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી વ્યવસ્થા કરીને કૂવામાંથી સિંહના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ વન વિભાગ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃત સિંહ નર અને અંદાજે 2થી 3 વર્ષનો હોવાનું સામે આવ્યું હતું. પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી તા.19ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના દલખાણિયા રેન્જના કરમદડી રાઉન્ડ હેઠળના હીરાવા બીટ વિસ્તારમાં બની હતી. ગીર પંથકમાં ખુલ્લા તથા જોખમી કૂવાઓ વન્યપ્રાણીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે ખેતરોમાં આવેલા કૂવાઓની સુરક્ષા માટે યોગ્ય આડશ અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ અટકાવી શકાય.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક