• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

માવઠા પછી સીંગતેલમાં તેજીનો કરન્ટ

એક જ દિવસમાં રૂ. 50 વધતા સીંગતેલનો     ડબો સપ્તાહમાં રૂ. 100 મોંઘો થઇ ગયો

રાજકોટ, તા.28: (ફૂલછાબ ન્યૂઝ) મંદીના દિવસો પૂરાં થયા હોય એમ સીંગતેલના ભાવે એકાએક ઉથલો માર્યો છે. મગફળીની વેચવાલી કપાઇ ગઇ છે અને માવઠાંને લીધે બે ત્રણ દિવસ આવક નહીવત રહેશે એવા સંજોગમાં સીંગતેલ ઉંચકાવી દેવાયું છે. મગફળીના ભાવ વધ્યા છે એટલે તેલ મિલોને ભાવ વધારવાનું બળ મળી ગયું છે. સીંગતેલ બજારમાં સોમવારે એક જ દિવસમાં રૂ.50નો ઉછાળો આવ્યો હતો. સીંગતેલ ભરવા ઇચ્છતો વર્ગ રાહ જોવામાં વ્યસ્ત છે પણ બજાર અગાઉ ધીરે ધીરે વધતી હતી અને સોમવારે મોટી તેજી થઇ ગઇ છે.

સીંગતેલના ડબાનો ભાવ સૌરાષ્ટ્રમાં રૂ. 50 ઉંચકાઇને રૂ. 2735-2785ના સ્તરે પહોંચી ગયો હતો. ગયા સપ્તાહમાં ધીરે ધીરે સુધારો હતો પણ ચાલુ સપ્તાહે મગફળીની આવક નબળી પડતા તેજીવાળાઓએ લાભ લીધો હતો. આમ એક અઠવાડિયામાં રૂ. 100ની નોટ વધી ગઇ છે. ભરવાવાળો વર્ગ ડબાનો ભાવ રૂ.2600 આજુબાજુ પહોંચશે એવી ધારણા રાખતા હતા પણ હવે એવી શક્યતા સાવ પાતળી થઇ ગઇ છે.

મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં 30-33 લાખ ટન જેટલું ભારેખમ છે. પાક ગયા વર્ષ કરતા ઘણો વધારે છે પણ 40 ટકા કરતા વધારે આવક થઇ ચૂકી છે. ગુજરાતભરના માર્કેટ યાર્ડમાં દિવાળી પૂર્વે રોજ ત્રણથી સાડા ત્રણ લાખ ગુણી મગફળી આવતી હતી. હવે દોઢથી બે લાખ ગુણી જ આવે છે. ઉત્તર ગુજરાતના ડિસા, પાલનપુર, પાથાવાડા સહિતના યાર્ડમાં આવકનો પ્રવાહ હતો તે 75 ટકા જેટલો ઓછો થઇ ચૂક્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોની વેચવાલી ઘણી સાધારણ છે.

આવી સ્થિતિ વચ્ચે માવઠું પડવાને લીધે મગફળીની આવક પ્રભાવિત થઇ છે. હજુ બે દિવસ સુધી યાર્ડમાં આવક ઓછી રહેશે એટલે બજાર સુધરવાની પૂરી શક્યતા છે. ખૂલ્લા બજારમાં સીંગતેલની વપરાશી માગ અગાઉ કરતા વધી છે. હવે ઘાણીની સાથે મોટી મોટી મિલોનું તેલ પણ ચાલે છે. પગાર તારીખનો સમય નજીક છે એટલે માગ ખૂલવાની ગણતરીએ પણ બ્રાન્ડવાળા ભાવ વધારી ગયા છે.

સીંગતેલના ભાવ એકધારા તૂટતા હતા એટલે પ્રત્યાઘાતી  ઉછાળો આવ્યો હતો. પરંતુ બીજા તેલમાં મોટો ભાવફેર નથી. કપાસિયા તેલનો ડબો રૂ.100 વધીને રૂ. 2735-2785 અને પામતેલનો ડબો રૂ. 5 ઘટીને રૂ. 1390-1395 હતો. પાછલા એક સપ્તાહમાં સૂર્યમુખી તેલના ડબામાં રૂ. 30 વધી જતા રૂ. 1560-1590 થઇ ગયા હતા.

 

 

Budget 2024 LIVE