• સોમવાર, 06 મે, 2024

જીરુંના બમ્પર ઉત્પાદનથી ભાવમાં લગાતાર ઘટાડો

એક સમયે રૂ. 13 હજાર પ્રતિ મણ થયેલું જીરું અત્યારે રૂ.4300, વધુ ઘટવાની શક્યતા

રાજકોટ, તા. 23 (ફૂલછાબ ન્યૂઝ) : જીરુંના બમ્પર ઉત્પાદનની ધારણા પછી જનમાનસ મંદીનું થઇ જતા ભાવ લગાતાર ઘટી રહ્યા છે. ગઇ સીઝનમાં મણના ભાવ રૂ.13000 સુધી ઉંચકાયા હતા અને અત્યારે રૂ. 4300 થઇ ગયા છે. છતાં હજુ ભાવ તૂટવાનું જોખમ ઝળુંબી રહ્યું છે એટલે કિસાનો ચિંતીત બન્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે જીરુંનો ભાવ ઊંઝામાં રૂ. 4 હજારનું સ્તર પણ તોડી શકે છે. ખેડૂતોને આ વર્ષે જીરુંમાં કમાણીની તક ઓછી રહેશે, જોકે સ્ટોકમાં ખૂબ પુરવઠો પડી રહે તેમ જણાય છે.

ગયા મહિને અમદાવાદમાં મળેલી ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સની બેઠકમાં જીરુંનું ઉત્પાદન 1.10 કરોડ ગુણી થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. પાકના અંદાજને હવે સમર્થન મળી રહ્યું હોય તેમ ભાવ તૂટતા જાય છે. ઉંઝાના વેપારીઓ કહે છે, જરૂરિયાત કરતા વધારે પુરવઠો ઉપલબ્ધ છે એટલે સીઝન હોવા છતાં ઘરાકી મર્યાદિત છે. ભાવ એકધારા ઘટે છે એટલે નવા કામકાજો મંદ પડે છે, તેના કારણે મંદી આગળ ધપે છે.

દેશને 75-80 લાખ ગુણીના પુરવઠાની જરુરિયાત નિકાસ કામકાજની સાથે રહે છે પણ માગ કરતા પુરવઠો વધી જાય એમ છે. અધૂરામાં પૂરું  વિદેશમાં તૂર્કી, સિરીયા, અફઘાન, પાકિસ્તાન અને ચીનમાં પણ વાવેતર સારાં રહેશે તેવા અહેવાલ આવી રહ્યા હોવાથી ભાવ ગયા વર્ષની તેજી પછી નવું તળિયું બનાવે તેમ છે.

ઊંઝાના એક અગ્રણી કહે છે, વપરાશી મથકોએ ખપપૂરતી જ માગ છે અને મસાલાની સીઝન પણ હવે પૂરી થવા આવી છે. બજારમાં એકધારો ઘટાડો છે. ઊંઝામાં   સુપર માલમાં રૂ. 4250-4350, બેસ્ટમાં રૂ.4200-4250, મીડીયમ રૂ.4150-4200 અને ચાલુમાં રૂ.4100-4150 રહ્યા હતા. વેપારીઓના મતે જીરું બજારમાં ઘરાકીનો માહોલ સુધરે નહીં તો રૂ. 4 હજારની સપાટી નીચેનો ભાવ થઇ શકે છે. ઊંઝા યાર્ડમાં જીરુંની આવક માત્ર 25-30 હજાર ગુણી વચ્ચે રહે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક