• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

તાલાલામાં ધારાસભ્યએ પણ ડિમોલીશન પહેલા પોતાની અનઅધિકૃત દુકાનો હટાવી !

દબાણ હટાવ ઝુંબેશમાં સ્વયંભૂ જ પેશકદમી દૂર થવા લાગતા તંત્રને રાહત : આજે વેપારીઓ સાથે પરામર્શ બેઠક

તાલાલા ગીર, તા. 22 : ગીરના પાટનગર તાલાલા શહેરમાં જાહેર માર્ગો ઉપર થયેલા દબાણોથી ટ્રાફિક ઉપરાંત લોકોની જાહેર સુખાકારી માટે આફતરૂપ હોવાથી તમામ પેશકદમી દૂર કરવા ગીસ સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશમાં આજે નાનાં-મોટાં તમામ ધંધાર્થીઓ સહભાગી બન્યા હતા. જેમાં ખુદ ધારાસભ્યએ પણ પોતાની બે દબાણરૂપ દુકાનો સ્વેચ્છાએ હટાવી લીધી હતી.

તાલાલાનાં મુખ્ય માર્ગ સાસણ રોડ સહિતના રસ્તાઓ પરથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ થાય તે પહેલા લોકોએ સ્વયંભૂ દબાણ હટાવી લીધાં હતા. આ ઉપરાંત તાલાલા-સાસણ રોડ ઉપર તાલાલાનાં ધારાસભ્યના પરિવારના ફાર્મ હાઉસની આગળ કોમર્શિયલ હેતુ માટેની બનાવેલી બે દુકાનો રોડ બાઉન્ડ્રીમાં આવતી હોવાથી ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પોતે જ ફાર્મ આગળ આવેલી બંને દુકાનો દુર કરી નાખી હતી. તાલાલા નગરના માર્ગો ઉપર ટ્રાફિકને અવરોધ બનતા દબાણો દુર કરવા અંગે અવનવી વાતો વહેતી થઈ છે.

આ અંગે સૌ સાથે મળી સહિયારો નિર્ણય કરવા તાલાલા નગરપાલિકા તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા.23મી ને રવિવારે રાત્રે લોહાણા મહાજન વાડીમાં નાના-મોટા વેપારી તથા લારી ગલ્લા ની અગત્યની પરામર્શ બેઠક મળી રહી છે. જેમાં દબાણ હટાવ ઝુંબેશમાં કોઈને નુકસાન થાય નહીં તેવો વ્યવહારૂ નિર્ણય કરવા ઉપર બેઠકમાં ભાર મૂકવામાં આવશે તેમ વેપારી સંગઠનના સૂત્રોએ જણાવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક