• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

જામનગરમાં જગ્યા પચાવી કબર બનાવી દેનાર મહિલા સામે ફોજદારી લાલપુરના સણોસરાની યુવતીએ બીમારીથી કંટાળી આપઘાત કર્યો

જામનગર, તા.27: જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ત્રણમાં પ્લોટ ધરાવતા અને સરદાર પટેલ સોસાયટીમાં રહેતા તેમજ એસ.ટી વિભાગમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ નટુભાઈ જાડેજાએ 2015ની સાલમાં જામનગરના અશોકભાઈ નામની વ્યક્તિ પાસેથી પટેલ કોલોની શેરી નંબર ત્રણમાં હનુમાન મઢી મંદિર પાસે એક પ્લોટ ખરીદ્યો હતો. તે પ્લોટને ખુલ્લો રાખ્યો હતો. જે પ્લોટમાં રોશનબેન સફિયા નામની મહિલાએ ગેરકાયદે પેશકદમી કરી લઈ ત્યાં કબર બનાવી લઈ તેમાં લોબાન વગેરે શરૂ કર્યું હતું. સાથો સાથ ઝૂંપડું બનાવી લીધું હતું. જે અંગે તેઓને જગ્યા ખાલી કરવાનું કહેતા ખાલી કરી ન હોવાથી આખરે મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ લઈ જવાયો હતો અને લેન્ડગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેની તપાસના અંતે જમીનમાં ગેરકાયદે દબાણ થયું હોવાનું સામે આવ્યું હતું. આથી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં રોશનબેન અલીભાઈ સફિયા સામે ગુનો નોંધ્યો છે.

યુવતીએ બીમારીથી કંટાળી આપઘાત કર્યો: લાલપુર તાલુકાનાં સણોસરા ગામમાં રહેતી અને ખેતી કામ કરતી માધિબેન ખીમાભાઈ નામની 24 વર્ષની અપરિણીત યુવતીએ પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈ ભીખાભાઈ ખીમાભાઈ ગાગલિયાએ પોલીસને જાણ કરતા લાલપુર પોલીસે ઘટનાસ્થળે જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે. સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતીને છેલ્લા દસેક દિવસથી માથા તેમજ પેટમાં દુખાવો થતો હતો અને તેની સારવાર ચાલુ હતી પરંતુ તેમાં કોઈ ફેર નહીં પડતા બીમારીથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર

થયું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક