અધિકારીનું
સોગંદનામું, સાહેદોના નિવેદન
ગ્રાહ્ય રાખતી કોર્ટ
પોરબંદર,
તા.17: પોરબંદરના હિરલબા જાડેજાવાળા સાઈબર ક્રાઈમ પ્રકરણમાં મુંબઈના શખસની આગોતરા જામીન
અરજી ફગાવાઈ છે.
આ કામની
ટુંકી હકીકત એવી હતી કે, ફરીયાદી વી.આર.ચાવડા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાઈબર ક્રાઈમ પોરબંદરવાળાએ
આરોપી હિરલબા, હિતેશ ઓડેદરા, પાર્થ સનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ તથા રાજુ
મેર વિરૂદ્ધ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નેંધાવી હતી. તપાસ દરમિયાન આ ગુન્હામાં
સચિન કનકરાય મહેતા, રહે. મુંબઈ તથા નૈતિક પરેશ માવાણી રહે.મુંબઈવાળાના નામ ખુલ્યા હતા.
ફરીયાદીએ જણાવેલ કે આરોપીઓએ ખોટા પ્રલોભનો આપી સેવિંગ્સ અને કરંટ બેંક ખાતાઓ ખોલાવી
સાઈબર ફ્રોડના ભોગ બનનાર વ્યક્તિઓ પાસેથી છેતરપીંડીથી નાણા ખાતાઓમાં મેળવી, ઉપાડી,
ટ્રાન્સફર કરી નાણા સગેવગે કરી નાખ્યા હોય તેની હકીકત જાણવા મળી હતી. બાદ આ ગુનામાં
મુંબઈ રહેતા સહઆરોપીની સંડોવણી ખુલી હતી.
આ ગુન્હામાં
આરોપી નૈતિક પરેશભાઈ માવાણી રહે. મલાડ મુંબઈવાળાએ નિર્દોષ હોવાનું જણાવી આગોતરા જામીન
ઉપર મુક્ત થવા કોર્ટમાં અરજી કરી હતી. જે અનુસંધાને તપાસ કરનાર અધિકારી એસ.આર.ચૌધરીએ
આગોતરા જામીન ઉપર મુક્ત થવા સામે કાગળો તથા વાંધા અંગેનું સોગંદનામુ રજુ કર્યુ હતું.
બાદ આ કામના સરકારી વકીલ અનિલ જે. લીલા દ્વારા કોર્ટમાં અધિકારીનું સોગંદનામું તથા
કાગળો રજુ રાખી મૌખિક દલીલ કરી જણાવેલ કે આરોપીની આ ગુન્હામાં સીધી સંડોવણી હોવાનું
સાહેદના નિવેદન પરથી ફલિત થાય છે. તેમજ આરોપી પોરબંદર આવેલાના પુરાવાઓ મળી આવેલ છે.
જેથી જામીન ઉપર મુક્ત કરવાથી પુરાવા સાથે ચેડા થવાની શક્યતાઓ રહેલી હોય જે અન્વયે એડી.
ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ પી.એચ.શર્મા દ્વારા દલીલો તથા સોગંદનામુ ધ્યાને લઈ આરોપી
નૈતિક પરેશભાઈ માવાણીની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.