• શુક્રવાર, 18 જુલાઈ, 2025

કાશ્મીરમાં ભૂસ્ખલન : અમરનાથ યાત્રિકો ફસાયા

સૈન્ય વહારે, શ્રદ્ધાળુઓને સુરક્ષિત આશરો આપ્યો

શ્રીનગર તા.17 : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ અસરગ્રસ્ત થતાં સૈન્યએ વિશેષ બચાવ અભિયાન છેડયું છે. હાલ સ્થિતી નિયંત્રણમાં છે પરંતુ વરસાદ ચાલુ હોવાથી કોઈ પણ પરિસ્થિતીનો સામનો કરવા સૈન્ય સજ્જ છે.

કાશ્મીરના રેયલપથરી અને બ્રારિમર્ગ વચ્ચે ઝેડ વણાંક પર ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે જેથી અમરનાથ યાત્રા અસરગ્રસ્તબની છે. ભારતીય સૈન્યના જવાનોએ આશરે પ00 જેટલા શ્રદ્ધાળુઓને તંબુઓમાં સુરક્ષિત આશરો આપવા સાથે ચા-પાણીની વ્યવસ્થા કરી છે. અહીંના લંગરોમાં 3000 જેટલા ભાવિકો માટે ભોજન સહિત સુવિધા કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના ઉપરના ભાગોમાં હવામાન સતત ખરાબ છે. બુધવારે સાંજે ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું જેનો વીડિયો સામે આવ્યો છે. મોટી સંખ્યામાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ રસ્તામાં ફસાઈ જતાં સૈન્ય વહારે આવ્યું છે. બ્રારિમર્ગમાં રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. રસ્તામાંથી એક બીમાર યાત્રીને બહાર કાઢી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક