• શુક્રવાર, 18 જુલાઈ, 2025

બાંગલાદેશે પહેલીવાર શ્રીલંકા સામે ઝ-20 શ્રેણી જીતી

ત્રીજા અને નિર્ણાયક મુકાબલામાં 8 વિકેટે વિજય

કોલંબો, તા.17: લિટન દાસની કપ્તાનીમાં બાંગલાદેશ ટીમે કમાલ કરી છે. શ્રીલંકા સામે બાંગલાદેશ ટીમે પહેલીવાર ટી-20 શ્રેણી જીતી ઇતિહાસ રચ્યો છે. શ્રેણીના ત્રીજા અને નિર્ણાયક મેચમાં બાંગલાદેશનો 8 વિકેટે વિજય થયો હતો અને 2-1થી શ્રેણી કબજે કરી હતી. પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 7 વિકેટે 132 રનનો મામૂલી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં બાંગલાદેશે 21 દડા બાકી રહેતા 16.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. બન્ને દેશ વચ્ચેની આ પાંચમી દ્વિપક્ષી ટી-20 શ્રેણી હતી. અગાઉ ટેસ્ટ સિરીઝમાં બાંગલાદેશ સામે શ્રીલંકાનો 1-0થી અને વન ડે સિરીઝમાં 2-1થી વિજય થયો હતો. હવે બાંગલાદેશે 2-1થી ટી-20 શ્રેણી જીતી શ્રીલંકા પ્રવાસનો સુખદ અંત કર્યો છે.

શ્રીલંકા તરફથી ઓપનર પથૂમ નિસંકાએ સર્વાધિક 46 રન કર્યાં હતા. સાતમા ક્રમના બેટર અને પૂર્વ કપ્તાન દાસૂન શનાકાએ 3પ રનની ઝડપી ઇનિંગ રમી હતી. પ્લેયર ઓફ ધ મેચ મહેંદી હસને 4 ઓવરમાં 11 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં બાંગલાદેશ તરફથી ઓપનર તંજિદ હસને 47 દડામાં 1 ચોક્કા અને 6 છક્કાથી 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. કપ્તાન લિટન દાસે 32 રન કર્યાં હતા. તૌહિન હ્યદય 27 રને નોટઆઉટ રહ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક