• શુક્રવાર, 18 જુલાઈ, 2025

ઓપરેશન સિંદૂરથી લઈને મતદારયાદી સુધારણા : સંસદમાં વિપક્ષ ગાજશે!

મોન્સુન સત્ર હંગામેદાર બનવાની પૂરેપૂરી સંભાવના : સરકાર કરશે અલગ-અલગ ખરડા પસાર કરાવવાની કોશિશ

 

નવી દિલ્હી, તા. 17 : સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી શરૂ થવાનું છે. આ સત્ર ખુબ જ હંગામાભર્યું રહે તેવી પૂરી સંભાવના છે. ઓપરેશન સિંદૂર, બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવીઝન (એસઆઈઆર), મણિપુર હિંસા સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે. તો બીજી તરફ સરકાર અલગ અલગ ખરડાને પસાર કરાવવાની કોશિશ કરશે. વિપક્ષ પાસે સરકારને ઘેરવા માટે પહલગામ હિંસા, ટ્રમ્પ દ્વારા સિઝફાયરનો દાવો વગેરે મુદ્દા પણ છે.

એક મહિના સુધી ચાલનારા સત્રમાં પ્રમુખ કાર્યોની સંભવિત યાદીમાં સરકારે આયકર વિધેયકને પસાર કરાવવા ઉપરાંત આઠ નવા ખરડા સામેલ કર્યા છે. સત્તા પક્ષના એક સુત્ર અનુસાર સરકારનો વિધાયી એજન્ડા ખુબ મોટો છે પણ સત્રમાં બિહારમાં એસઆઈઆર કામગીરી, ઓપરેશન સિંદૂર અને અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ પ્રમુખ મુદ્દો રહેશે.

વિપક્ષી દળોએ ઘણા મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ બનાવવા બેઠકો શરૂ કરી દીધી છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે પક્ષના સંસદીય રણનીતિ સમુદની બેઠક કરી હતી. જેમાં પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ ભાગ લીધો હતો.

બીજી તરફ ભાજપની છાવણી તરફથી કહેવાયું છે કે સંસદમાં કોઈપણ ચર્ચાથી પાછળ હટવમાં આવશે નહી. ભાજપ નેતા અને લોકસભા સાંસદ અનુરાગ ઠાકુરના કહેવા પ્રમાણે સરકાર સંસદમાં ચર્ચાથી ક્યારેય પાછળ હટી નથી. પીએમ હંમેશાં ચર્ચામાં વિશ્વાસ કરે છે. આશા છે કે વિપક્ષ સદનમાંથી વોકઆઉટ નહીં કરે અને ભાગવાને બદલે ચર્ચામાં ભાગ લેશે.

સંસદમાં જસ્ટિસ વર્મા સામે મહાભિયોગનો મુદ્દો ઉઠે તેવી પણ સંભાવના છે. જેમના દિલ્હી સ્થિત આવાસેથી કથિત રીતે નોટોનો ઢગલો મળી આવ્યો હતો. સૂત્રો અનુસાર જસ્ટિસ વર્મા સામે આાઁરોપોની તપાસ કરવા સંબંધિત સદનના પીઠાસીન અધિકારી દ્વારા એક તપાસ સમિતિ બનાવવામાં આવશે. જેનો રિપોર્ટ રજૂ કરવાની સમયસીમા ત્રણ મહિનાથી ઓછી રહેશે.

 

ચોમાસું સત્ર પૂર્વે સર્વપક્ષીય બેઠક

 

નવી દિલ્હી, તા. 17 : કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલાં 20મી જુલાઇના દિવસે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સત્રમાં સુચારુ કામકાજ સુનિશ્ચિત કરવા તેમજ વિપક્ષોને સહયોગની અપીલ બેઠકમાં કરાશે. બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુ સહિત કેટલાક વરિષ્ઠ મંત્રીઓ સામેલ થશે. મોદી સરકારે આગામી સોમવારથી શરૂ થતાં સંસદના ચોમાસુ સત્રમાં કુલ આઠ નવા વિધેયક રજૂ કરવાની યોજના ઘડી છે. ચોમાસુ સત્ર એવા સમયે શરૂ થઇ રહ્યું છે જ્યારે બિહારમાં મતદારયાદી પુન: પરીક્ષણ પર દેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ સહિત વિપક્ષો સતત ચૂંટણીપંચ અને સરકાર પર પ્રહારો કરી રહ્યા છે એ જોતાં સત્તારૂઢ ભાજપ અને વિપક્ષી ઇન્ડિયા જોડાણ વચ્ચે સંઘર્ષનું સત્ર સાક્ષી બની શકે છે. ચોમાસુ સત્ર દરમ્યાન કોંગ્રેસ અને અન્ય વિપક્ષો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના મધ્યસ્થીના દાવા પર પણ સરકાર પાસેથી જવાબ માગશે.

ઇ-પેપરના નવા શુલ્ક