તેલ અવીવ, તા. 16 : મધ્ય-પૂર્વમાં અલગ અલગ મોરચે યુદ્ધ છેડાયેલું છે, જેમાં દરરોજ દરેક મોરચામાં ઈઝરાયલ સામેલ જોવા મળે છે. હવે એવી સ્થિતિ બની છે કે ઈઝરાયલે સીરિયા ઉપર પણ હુમલા વધારી દીધા છે. ઈઝરાયલી સેના આઈડીએફએ બુધવારે સીરિયાની રાજધાની દમિશ્કમાં સીરિયન રક્ષા મંત્રાલયના એન્ટ્રી ગેટ ઉપર હુમલો કર્યો હતો. ઈઝરાયલ સોમવારથી જ સીરિયાની ઈસ્લામિક નેતૃત્વની સરકારની સેનાને નિશાન બનાવી રહ્યું છે. સીરિયાના દક્ષિણી શહેર સ્વૈદામાં સ્થાનિક સુરક્ષા દળ અને ડ્રુઝ સમુદાય વચ્ચે ઘર્ષણ પછી ઈઝરાયલે સીરિયન દળોને નિશાને લેવાની શરૂઆત કરી હતી.
ઈઝરાયલના
કહેવા પ્રમાણે તે ડ્રુઝ અલ્પસંખ્યકોને સ્થાનિક સૈનિકોના હુમલાથી બચાવવા માટે કાર્યવાહી
કરી રહ્યું છે. સીરિયાના રક્ષા મંત્રાલયના સૂત્રો અનુસાર મંત્રાલયની ઈમારત ઉપર ઓછામાં
ઓછા બે ડ્રોનથી હુમલા થયા હતા અને અધિકારી બેસમેન્ટમાં છુપાયા હતા. આ હુમલામાં બે નાગરીકોને
ઈજા પહોંચી છે. ઈઝરાયલી સેનાએ કહ્યું હતું કે, દમિશ્કમાં સીરિયન શાસનના સૈન્ય મુખ્યાલય
પરિસરના એન્ટ્રી ગેટ ઉપર હુમલો કર્યો છે. સેના દક્ષિણી સીરિયામાં ડ્રુઝ નાગરિકો સામે
કરવામાં આવતી કાર્યવાહી ઉપર નજર રાખી રહી છે.