• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

વિસાવદર પાલિકામાં ઉપ પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી

ઉપપ્રમુખ દ્વારા ચીફ ઓફિસરે છરી બતાવી ધમકી આપ્યાની, તો સામે ચીફ ઓફિસર દ્વારા ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની રાવ

વિસાવદર, જૂનાગઢ તા.5 : વિસાવદર નગરપાલિકામાં ભ્રષ્ટાચારે જાણે માજા મૂકી હોય એમ એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો વચ્ચે વધતા જતા વિવાદે ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું. આજે પાલિકામાં જ ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ અંગે સામસામે પોલીસમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

વિસાવદર નગરપાલિકામાં ભાજપનું શાસન છે પરંતુ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિકાસ કામો મુદ્દે અધિકારીઓને વારંવાર તતળાવતા હોવાનું બહાર આવ્યું છે. તેવામાં નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશ માંગરોળિયા ભાજપના નગરસેવકો સાથે ચીફ ઓફિસર પી. જી. વઘાસિયાની ચેમ્બરમાં પહોંચી કોઈ મુદ્દે રજૂઆત કરતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ લોકશાહીનાં મંદિરને લાંછન લાગે તે રીતે અધિકારી અને પદાધિકારી સામસામે આવી ગયા હતા. આ અંગેનો વીડિયો વાયરલ થતાં રાજકીય ચકચાર પ્રસરી ગઈ છે. ઉપપ્રમુખ રમેશ માંગરોળિયાએ ચીફ ઓફિસર સામે અશોભનીય વર્તન કર્યાની પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે જ્યારે ચીફ ઓફિસરે પોતાને ઉપ પ્રમુખે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. વિસાવદર નગરપાલિકા કચેરી સમરાંગણમાં ફેરવાતા હવે આ મુદ્દે આપ પાર્ટી આ તમાસો જોઈ રહી છે.

વિસાવદર ચિફ ઓફિસરે જણાવ્યું હતું કે, ઉપપ્રમુખ રમેશ માગરોળિયા દ્વારા અલગ ચેમ્બર અને બિલ પાસ કરવામાં તેની સહી હોવી જોઈએ જેવી રજૂઆત કરી હતી. જેથી અમે તેને પ્રમુખની ચેમ્બરમાં પાર્ટિસન કરી અલગ ચેમ્બર બનાવી આપશું અને કામોનાં બિલ પાસ કરવામાં ઉપપ્રમુખની સહીની જોગવાઈ નથી તેવું અમે જણાવ્યું હતું. જેથી તેઓએ ચેમ્બરમાં જ બેફામ ગાળો બોલી અને હુમલો પણ કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક