વડાપ્રધાન લોકસભામાં આવ્યા હોત તો કંઈપણ બની શક્યું હોત : સ્પીકરે મોદીને ગૃહમાં ન આવવા કર્યો હતો આગ્રહ
નવીદિલ્હી,
તા.પ : છેલ્લા બે દાયકાના ઈતિહાસમાં પહેલીવાર વિપક્ષના જોરદાર હંગામાનાં કારણે રાષ્ટ્રપતિનાં
અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવ ઉપર પરંપરા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સંબોધન
વગર જ શોરબકોર વચ્ચે પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરી લેવામાં આવ્યો. વડાપ્રધાન મોદી બુધવારે
ધન્યવાદ પ્રસ્તાવ ઉપર જવાબ આપવાના હતા પણ વિપક્ષના હોબાળા વચ્ચે તે શક્ય બન્યું નહોતું.
આ ઘટનાક્રમ ઉપર હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ એક ગંભીર નિવેદન કર્યું છે. બિરલાનું કહેવું
છે કે ત્યારે લોકસભામાં માહોલ એટલો ખરાબ થઈ ગયો હતો કે કોઈપણ અનપેક્ષિત ઘટના ઘટી શકે
તેમ હતી. તેથી સાવચેતીના ભાગરૂપે તેમણે જ વડાપ્રધાનને ગૃહમાં નહીં આવવા માટે અનુરોધ
કર્યો હતો. દરમિયાન સૂત્રોના હવાલેથી એવો પણ દાવો થઈ રહ્યો છે કે, કોંગ્રેસે વડાપ્રધાન
મોદી ઉપર શારીરિક હુમલાનું કાવતરું કર્યું હતું અને તેના હિસાબે જ તેમનું ભાષણ નહીં
યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો.
વર્ષ
2004 બાદ પહેલીવાર એવું બન્યું છે જેમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણની ચર્ચાનો વડાપ્રધાન
દ્વારા લોકસભામાં જવાબ આપવામાં આવ્યો નહીં. વિપક્ષ તરફથી સતત એકધારા હંગામાનાં કારણે
ગૃહની કાર્યવાહી સ્થગિત રાખવી પડી હતી. સ્પીકર ઓમ બિરલાએ આભાર પ્રસ્તાવ ઉપર વિપક્ષનાં
સંશોધનોને વોટિંગ માટે
મૂક્યા
હતા પણ તે ખારિજ થઈ ગયા. ત્યારબાદ અધ્યક્ષે ધન્યવાદ પ્રસ્તાવનું પઠન કર્યું અને પછી
તેને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યો હતો. બીજીબાજુ વિપક્ષ હોબાળો મચાવતો રહ્યો હતો.
ઓમ
બિરલાએ બાદમાં કહ્યું હતું કે, લોકસભાના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારનું આચરણ તેમણે
જોયું. ગૃહમાં જ નહીં બલકે અધ્યક્ષનાં કાર્યાલયમાં પણ વિપક્ષ તરફથી જે પ્રકારનું આચરણ
કરવામાં આવ્યું તે પરંપરાને અનુરૂપ નહોતું. સ્પીકર દ્વારા આને સંસદીય વ્યવસ્થા ઉપર
કાળો ડાઘ ગણાવ્યું અને કહ્યું કે, અત્યાર સુધી રાજકીય મતભેદોને ક્યારેય લોકસભા અધ્યક્ષનાં
કાર્યાલય સુધી લઈ જવાયા નથી. તેમણે તમામ રાજકીય દળોને અપીલ કરી હતું કે, મતભેદ લોકતંત્રનો
ભાગ છે પણ સદનની કાર્યવાહી સુચારુ ચલાવવા માટે તમામ સાંસદોનો સહયોગ આવશ્યક હોય છે.
સ્પીકર
ઓમ બિરલાએ આગળ એવો ખુલાસો પણ કર્યો હતો કે, જ્યારે વડાપ્રધાને આભાર પ્રસ્તાવનો જવાબ
આપવાનો હતો ત્યારે નક્કર જાણકારી મળી હતી કે, કોંગ્રેસના કેટલાક સદસ્ય વડાપ્રધાનની
બેઠક સુધી ધસી જવાનો પ્રયાસ કરી શકે છે. સદનમાં એવાં દૃશ્યો જોવા મળ્યાં જેનાથી સ્થિતિ
ગંભીર બની ગઈ હતી. જો આવું કંઈ બન્યું હોત તો તે ફક્ત દુર્ભાગ્યપૂર્ણ જ ન હોત બલકે
લોકતાંત્રિક પરંપરા ઉપર આઘાત બની જાત. આવી આશંકાને ધ્યાને રાખીને જ તેમણે અગમચેતીના
ભાગરૂપે વડાપ્રધાનને ગૃહમાં નહીં આવવાનો અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ આ આગ્રહનો
સ્વીકાર કર્યો અને ગૃહમાં આવવાનું ટાળ્યું. તેમણે વડાપ્રધાનનો આભાર માનતા આગળ કહ્યું
હતું કે, આનાથી અનપેક્ષિત અને અપ્રિય દૃશ્ય ટળી ગયાં અને સદનની ગરિમા પણ જળવાઈ રહી.
દરમિયાન
સૂત્રોના હવાલેથી મીડિયામાં એવો દાવો કરતા અહેવાલો પણ આવી રહ્યા છે કે, કોંગ્રેસના
કેટલાક સદસ્યો દ્વારા વડાપ્રધાન મોદી ઉપર શારીરિક હુમલાનું કાવતરું થયું હતું. આ પહેલા
ભાજપ સાંસદ મનોજ તિવારીએ પણ આરોપ લગાવ્યો હતો કે, વિરોધ અને હંગામો અગાઉથી જ નક્કી
હતો. કેટલાક મહિલા સાંસદોએ વડાપ્રધાનની બેઠક આસપાસ ઘેરાવ જેવી સ્થિતિ ઊભી કરી હતી.
બિરલાના
નિવેદન ઉપર કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું હતું કે વડા પ્રધાન અધ્યક્ષની
આડમાં છુપાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગૃહમાં એમને આવવાની હિંમત જ નહોતી, કેમ કે ત્રણ
મહિલા સાંસદ અધ્યક્ષની સામે ઊભી હતી. સરકાર સંસદમાં કોઈ ચર્ચા થાય એવું ઇચ્છતી જ નથી.
લોકસભામાં
છેલ્લા ત્રણ દિવસથી હોબાળાના પગલે આઠ સાંસદોને બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરાયા છે, એમાંના
એક કૉંગ્રેસના સાંસદ મણિકમ ટૈગોરે કહ્યું હતું કે જ્યાં સુધી લોકસભામાં વિપક્ષના નેતા
રાહુલ ગાંધીને બોલવા નહીં દેવાય ત્યાં સુધી વિપક્ષ વડા પ્રધાન મોદીને પણ બોલવા નહીં
દે. કોઈને બોલવા દીધા વગર જ રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર લોકસભામાં સરકારે ધન્યવાદ પ્રસ્તાવ
પાસ કરાવી લીધો એની ટીકા પણ ટૈગોરે કરી હતી.
કોંગ્રેસની
ભૂલો સુધારવામાં વેડફાય છે અમારી શક્તિ : મોદી
નવી
દિલ્હી, તા.પ: વિપક્ષનાં હંગામાનાં કારણે લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ ઉપર આભાર
પ્રસ્તાવની ચર્ચાનો જવાબ નહીં આપી શકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં
સંબોધન કર્યુ હતું અને ત્યારે પણ ભારે હોબાળો ચાલું રહ્યો હતો. વડાપ્રધાન મોદી ભાષણ
માટે ઉભા થયા તે સાથે જ વિપક્ષી નેતાને બોલવા દેવાની નારાબાજી સાથે વિપક્ષે શોરબકોર
મચાવી દીધો હતો. વિપક્ષનાં ગૃહત્યાગ વચ્ચે પણ વડાપ્રધાન મોદીએ બોલવાનું ચાલુ રાખીને
સરકારની ઉપલબ્ધીઓ ગણાવવા સાથે વિપક્ષ ઉપર ધારદાર પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું
હતું કે, અમારી ઘણી શક્તિ તો કોંગ્રેસે કરેલી ભૂલો સુધારવામાં ખર્ચાઈ રહી છે. રાહુલ
ગાંધી ઉપર મોટો હુમલો બોલાવતા મોદીએ કહ્યું કે, શીખ હોવાનાં કારણે રવનીત બિટ્ટુને ગદ્દાર
કહેવામાં આવ્યા. આ શીખોનું અપમાન છે. કોંગ્રેસનાં શાતિર દિમાગ યુવરાજે એક સાંસદને ગદ્દાર
કહ્યાં. આ લોકોનો અહંકાર ચરમસીમાએ છે.
પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી રાજ્યસભામાં બોલવાનું શરૂ કરતા જ વિપક્ષે હંગામો શરૂ કરી દીધો હતો. જેને
પગલે મોદીએ અધ્યક્ષને કહ્યું હતું કે, મારું કહેવું છે કે ખડગેજીને તેમની બેઠક પર બેઠા
રહીને બોલવાની અને નારેબાજી કરવાની મંજૂરી આપી દેવી જોઈએ. વડાપ્રધાને આગળ સરકારની ઉપલબ્ધીઓ
ઉપર વાત કરતાં કહ્યું હતું કે, 21મી સદીનો પહેલો ક્વાર્ટર પૂર્ણ થઈ ગયો છે અને બીજો
ક્વાર્ટર દેશનો દરેક નાગરિક અનુભવ કરી રહ્યો છે કે આપણે એક મહત્વના મુકામે પહોંચી ગયા
છીએ. હવે ન તો અટકવાનું છે અને ન તો પાછું વળી જોવાનું છે.
પીએમએ
કહ્યું કે આજના સમયમાં જો આપણે જોઈએ તો ભારતના ભાગ્યમાં અનેક શુભ સંયોગો એકસાથે મળ્યા
છે. વિશ્વના મોટા દેશો વૃદ્ધ બની રહ્યા છે, જ્યારે આપણો દેશ વિકાસની નવી ઊંચાઈઓ સ્પર્શી
રહ્યો છે અને રોજે રોજ યુવા વસ્તીવાળો દેશ બની રહ્યો છે. બીજી તરફ, દુનિયામાં ભારત
પ્રત્યેનું આકર્ષણ વધી રહ્યું છે. ભારતનો વિકાસદર ઉંચો અને મોંઘવારી નીચી છે. જે આપણી
અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.
દુનિયા
નવા વર્લ્ડ ઓર્ડર તરફ આગળ વધી રહી છે. ભારત તરફ સૌનો ઝુકાવ છે. ગ્લોબલ સાઉથની ચર્ચા
આજે આખી દુનિયા કરે છે, જેમાં ભારત એક મજબૂત અવાજ બની ઊભર્યું છે. આજે ભારત અનેક દેશો
સાથે ટ્રેડ ડીલ કરી રહ્યું છે. દુનિયાના 9 મોટા દેશો સાથે ટ્રેડ ડીલ થઈ છે. મધર ઓફ
ઓલ ટ્રેડ ડીલ પણ તેમાં સામેલ છે, જેમાં એકસાથે 27 દેશો છે.
પીએમએ
કહ્યું કે દુનિયાના દેશો એમ જ ભારત સાથે ડીલ નથી કરતા જ્યારે વિકસિત દેશો વિકાસશીલ
દેશો સાથે કરાર કરે છે, ત્યારે એ મોટી વાત હોય છે જ્યારે હું ગુજરાતનો સીએમ હતો ત્યારે
વાયબ્રન્ટ સમિટ કરતો હતો. વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા લોકોએ ક્યારેય દેશ માટે વિચાર્યું
નથી. કોંગ્રેસના શાસનમાં વડાપ્રધાનો લાલ કિલ્લેથી જે ભાષણ આપતા હતા, તેમાં કોઈ દૃષ્ટિ
નહોતી. ભારત આજે સુધારા એક્સપ્રેસ પર દોડે છે. દુનિયા આજે આપણા ઉદ્યોગપતિઓને સમાન દૃષ્ટિએ
જુએ છે.
પીએમ
મોદીએ કહ્યું કે એમએસએમઈ નેટવર્ક જેટલું મજબૂત હોય, દેશને એટલી શક્તિ મળે છે. અમે આ
માટે ઘણું કામ કર્યું છે, જેના કારણે દુનિયાનું ભારત પર વિશ્વાસ વધ્યો છે. કેટલાક નેતાઓ
આર્થિક અસમાનતાની વાત કરે છે, જ્યારે પોતાની સરકારોમાં શું કર્યું છે તે પણ જોવું જોઈએ.
વિશ્વના દરેક દેશ ગેરકાયદે નાગરિકોને બહાર કાઢે છે અને અહીં કેટલાક લોકો ઘુસણખોરોની
વકાલત કરે છે. આ ઘુસણખોરો આપણા યુવાનોના હક છીનવે છે અને આદિવાસીઓની જમીન કબજે કરે
છે.
મોદીએ
જણાવ્યું કે 2014 પહેલાં નેતાઓના ફોન પર કરોડો રૂપિયા બેન્કો દ્વારા વહેંચાતા હતા.
ગરીબોને અપમાનિત કરવામાં આવતાં. અમે હિંમતથી રિફોર્મ કર્યા, બેંકોનું મર્જર કર્યું,
અને એનપીએના પહાડોને નીચે લાવ્યા. મુદ્રા યોજના હેઠળ 30 લાખ કરોડ રૂપિયાથી વધુ લોન
આપવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે. પીએસયુ અંગેની નકારાત્મક માનસિકતા
અમે બદલી છે. આજે એલઆઈસી, એસબીઆઈ, એચએએલ જેવી સંસ્થાઓ રેકોર્ડ નફામાં છે. નાના ખેડૂતો
માટે પીએમ કિસાન સન્માન નિધિ શરૂ કરી, જેમાં અત્યાર સુધી 4 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના
ખાતામાં જમા કરાયા છે. કોંગ્રેસના લાંબા શાસનમાં યોજના આયોગની ખામીઓ હતી. 2014 પછી
અમે નીતિ આયોગ બનાવ્યું, જે આજે ઝડપી ગતિએ કામ કરે છે.
મોદીએ
વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, કોંગ્રેસ દેશના લોકોમાં સમસ્યા જુએ છે, જ્યારે અમે
140 કરોડ લોકોમાં ઉકેલ જુએ છીએ. કોંગ્રેસે દેશના રાષ્ટ્રપતિ અને સંવિધાન બન્નેનું અપમાન
કર્યું છે. અમે વિકસિત ભારતની જમીન મજબૂત બનાવી રહ્યાં છીએ ત્યારે બીજીબાજુ કોંગ્રેસ
મોદી તેરી કબર ખુદેગી જેવા કાર્યક્રમો કરે છે. મહોબ્બતની દુકાનની વાતો કરનારા જ કબર
ખોદવાની વાત કરે છે. શું આ સંવિધાનનું અપમાન નથી? અમે યુવાનો માટે મજબૂત આધાર તૈયાર
કરી રહ્યા છીએ જ્યારે કોંગ્રેસ નકારાત્મક રાજનીતિમાં વ્યસ્ત છે.