• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

વેરાવળમાં કોમ્પલેક્સમાં ભીષણ આગ : 40 દુકાનો ખાક

કોમ્પ્લેક્સ પાસે ફાયર ગઘઈ કે બાંધકામ મંજૂરી ન હોવાનો ખુલાસો થતા કલેક્ટરે રિપોર્ટ માગ્યો

(ફૂલછાબ ન્યુઝ)

વેરાવળ, તા.5: વેરાવળ બાયપાસ રોડ પર આવેલા મુરલીધર કોમ્પ્લેક્સમાં આજે સવારે ભીષણ આગની ઘટના સર્જાઈ હતી. અચાનક લાગેલી આગના પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, દુકાનદારોએ સમયસૂચકતા વાપરી જીવ બચાવવા કોમ્પ્લેક્સમાંથી બહાર દોડી જતા મોટી જાનહાની ટળી હતી. આગના કારણે 4થી વધુ બાઈક અને એક કારને નુકસાન પહોંચ્યું હતું, આ ઉપરાંત 40 જેટલી દુકાનો પણ આગ જ્વાળાની લપેટમાં આવી જતા વેપારીઓને લાખો રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવાઈ રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યાની જહેમત કર્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. 

ફાયર ઓફિસર રવિરાજાસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે સવારે આશરે 11 વાગ્યાના સુમારે મુરલીધર કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ડીઝલ પંપ સર્વિસની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખું કોમ્પ્લેક્સને જ્વાળામાં લપેટમાં લઈ લીધો હતો. આગની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડના બે વાહન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત આસપાસના ઈન્ડસ્ટ્રીઝમાંથી ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી. કુલ પાંચ ફાયર ફાઇટર ટીમોએ સતત પાણીનો મારો ચલાવી અંદાજે એક કલાકની ભારે મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલી ચાર મોટરસાઇકલ અને એક કારને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત કોમ્પ્લેક્સમાં આવેલી અંદાજે 40 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે.

આગની ઝપેટમાં આવેલા મુરલીધર કોમ્પ્લેક્સ પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે તેમજ અગાઉ પણ આ અંગે નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત કોમ્પ્લેક્સ પાસે બાંધકામ મંજૂરી પણ ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા  મળ્યું છે. આ ઘટનાના પગલે પાલિકા, મામલતદાર, નાયબ કલેક્ટર, પોલીસ સહિત સંબંધિત વિભાગોની ટીમો ઘટના સ્થળે દોડી આવી કામે લાગી હતી. આ આગની ઘટનામાં ચોંકાવનારી હકીકતો સામે આવતા કલેક્ટર દ્વારા ઘટનાનો સંપૂર્ણ અહેવાલ પાલિકા તથા ફાયર વિભાગ પાસેથી માગવામાં આવ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ જવાબદાર સામે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક