• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

કાલાવડના અનેક ખેડૂતો સાથે ખેત પેદાશોની ખરીદી કર્યા બાદ 96.97 લાખની છેતરાપિંડી

 જામનગર, તા.4 : કાલાવડ તાલુકાનાં સોરઠા ગામમાં રહીને ખેતી કામ કરતા ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે, કે પોતાની તથા અન્ય કેટલાક ખેડૂતોની આશરે 97.97 લાખ જેટલી રકમની જુદી-જુદી ખેત પેદાશો મેળવી લઈ નાણાં નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરાપિંડી કરવા અંગે કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા નામના શખસ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ અનુસાર કુલદીપભાઈ કોઠિયા પાસેથી આરોપી દિલીપ સાવલિયાએ મગફળી તથા તલ વગેરેનો જથ્થો ખરીદી કરી હતી. ઉપરાંત સફેદ ચણા સહિતની અન્ય ખેતપેદાશોની કાલાવડના ગ્રામ્ય વિસ્તારના કેટલાક ખેડૂતો પાસેથી ખરીદી કરી હતી. કુલ 97.97 લાખ જેટલી માતબર રકમની જુદી જુદી ખેતપેદાશોની ખરીદી કરી લીધા બાદ આરોપી દિલીપ સાવલિયાએ નાણાં નહીં ચૂકવી હાથ ખંખેરી લેતાં આખરે તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઈ છે. આરોપી દિલીપ સાવલિયા હાલ નાશી છૂટયો છે. તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે સમગ્ર મામલામાં પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક