• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

જળજીવન મિશન માટે કેન્દ્ર સરકારે ભંડોળ રોક્યું

ચાલી રહેલાં કાર્યો પોતાના સંસાધનોથી પૂર્ણ કરવા રાજ્યોને સલાહ

નવી દિલ્હી, તા.4 : કેન્દ્ર સરકારે ગ્રામીણ પરિવારોને નળથી પાણી ઉપલબ્ધ કરાવનારી મુખ્ય યોજના જળજીવન મિશન માટેના ભંડોળને રોકી દીધું છે અને રાજ્યોને કહ્યું છે કે તે બાકી રહેતા કામ પોતાના સંસાધનોથી પૂરાં કરે. 2019માં શરૂ કરવામાં આવેલી આ મહત્ત્વાકાંક્ષી યોજનાનું લક્ષ્ય 2024ના અંત સુધી દેશના 19.35 કરોડ ગ્રામીણ પરિવારોને નળથી જળનું જોડાણ આપવાનું હતું. ગયા વર્ષે આ યોજનાને ડિસેમ્બર 2028 સુધી વધારવામાં આવી છે.

એક અખબારી અહેવાલ અનુસાર યોજનાના ડેશબોર્ડ મુજબ હાલમાં 15.79 કરોડ પરિવારો એટલે કે 81.5 ટકા લાભાર્થીઓને ઘર સુધી કાર્યશીલ નળ જોડાણ ઉપલબ્ધ કરાવવામાં આવી ચૂક્યું છે. આમાં એ 16.72 ટકા ઘરનો પણ સમાવેશ છે જેમની પાસે મિશન શરૂ થયા વખતે કોઈને કોઈ રૂપમાં નળનું પાણી મોજૂદ હતું. જળશક્તિ રાજ્ય મંત્રી બી. સોમન્નાએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવના સવાલના જવાબમાં કહ્યું કે સરકારે યોજના શરૂ કરતી વખતે 2.08 લાખ કરોડના કેન્દ્રીય ભંડોળને મંજૂર કરવામાં આવ્યું હતું જે તમામ રકમ ખર્ચ થઈ ચૂકી છે.

મંત્રીએ કહ્યું કે એટલા માટે જ 2025-26માં કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશને કોઈ પણ રકમ ફાળવવામાં આવી નથી. પાણી એ રાજ્યનો વિષય હોવાથી ચાલી રહેલાં કાર્યોને પોતાનાં સંસાધનોથી જારી રાખવાની રાજ્યોને સલાહ આપવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક