• શનિવાર, 18 જુલાઈ, 2026

કેશોદમાં પાણીના પ્લાન્ટના નામે રૂ.2.42 કરોડની છેતરાપિંડી

નોઈડાની કંપની સામે ફરિયાદ

કેશોદ, તા.17: કેશોદમાં નોકરી અને રોજગારની લાલચ આપી પાણીનો બોટાલિંગ પ્લાન્ટ લગાવી આપવાના બહાને એક યુવાન સાથે કરોડો રૂપિયાની છેતરાપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોંડરવા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં પાણીના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદીએ સોશિયલ મીડિયા પર નોઈડા સ્થિત એક કંપનીની જાહેરાત જોઈને સંપર્ક કર્યો હતો. કંપનીએ પ્લાન્ટ સેટઅપ કરવા અને દર મહિને મોટા પ્રમાણમાં પાણીના કાર્ટન ખરીદવાની ખાતરી આપીને અલગ-અલગ ફી તેમજ મશીનરીના નામે બેંક લોન સહિત કુલ 2,42,70,313 પડાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ કંપનીએ વચન આપ્યા મુજબની ક્ષમતાને બદલે નબળી અને ખરાબ હાલતની મશીનરી મોકલી આપી હતી, જે ચાલુ પણ થઈ શકી નહોતી. કરાર મુજબ માલ ખરીદવાનું બંધ કરી કંપનીના સંચાલકોએ હાથ અધ્ધર કરી લેતા આખરે પોલીસનો આશરો લેવાયો છે.

આ છેતરાપિંડી અંગે ભોગ બનનારે કંપનીના માલિકો, ડિરેક્ટર અને કર્મચારીઓ સહિત 11 શખસ સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. જેમાં આરોપીઓ તરીકે સચીન શ્રીવાસ્તવ, પીયૂષ દ્વિવેદી, આયુષ દ્વિવેદી, મયંક શર્મા, સંજય ગુપ્તા, વિનય ત્યાગી, આનંદ દ્વિવેદી, સત્યેન્દ્રાસિંહ ચૌહાણ, વિજય ચૌહાણ, કે.સી.એચ.એસ.ઈ. પાંડા અને સંજય વાલીયા વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કંપનીએ અન્ય લોકો સાથે પણ આવી જ છેતરાપિંડી આચરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કરોડોની છેતરાપિંડીના હાઈપ્રોફાઈલ કેસની વધુ તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચલાવી રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક