• શુક્રવાર, 17 જુલાઈ, 2026

અમરેલીમાં હની ટ્રેપ: યુવકને ધારીના ખોડિયાર મંદિરે બોલાવી એક લાખ પડાવ્યા

અમરેલી, તા.16: અમરેલીમાં બે મહિલા સહિત ચાર શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી એક યુવકને હની ટ્રેપમાં ફસાવ્યો હોવાની ઘટના સામે આવી છે. એક મહિલા આરોપીએ પોતાની માનતા હોવાનું બહાનું બતાવી યુવકને મોટરસાયકલ પર ધારી ખોડીયાર મંદિર ખાતે સાથે આવવા જણાવ્યું હતું. ત્યાં પહોંચતા જ અન્ય આરોપીઓ પણ આવી ગયા હતા અને મહિલાએ ખોટો આક્ષેપ કર્યો હતો કે યુવક તેને બળજબરીપૂર્વક અહીં લાવ્યો છે. ત્યારબાદ તમામ આરોપીઓએ યુવકને છરી બતાવી, ડરાવી-ધમકાવીને મામલો થાળે પાડવા માટે શરૂઆતમાં ત્રણ લાખ રૂપિયાની માગણી કરી હતી. આખરે મામલો એક લાખ રૂપિયામાં નક્કી કરી યુવક પાસેથી બળજબરીપૂર્વક રૂ. 1 લાખ પડાવી લીધા હતા. આ અંગે ભોગ બનનાર યુવકે અમરેલી સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

    આ ગુનાહિત કાવતરામાં ભોગ બનનાર અમરેલીના વરૂડી રોડ પાસે રહેતા 33 વર્ષીય નીલેશભાઈ વિઠ્ઠલભાઈ માળવીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદના આધારે પોલીસે અમરેલીમાં રહેતા આરોપી ધવલભાઈ મોદી, તેમના પત્ની આરતી મોદી, રાહુલભાઈ તથા રાહુલભાઈના પત્ની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી આરતી મોદીએ નીલેશભાઈને ફોન કરી ચક્કરગઢ રોડ પાસે બોલાવ્યા બાદ ધારી ખોડીયાર મંદિરે પહોંચીને પોતાના પતિ ધવલ તેમજ સહ-આરોપી રાહુલ અને તેના પત્નીને ત્યાં બોલાવી નીલેશભાઈને માર મારી, છરી બતાવી આ ખંડણી વસૂલ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક