અમરેલી, તા.16: કુકાવાવ તાલુકાના દડવા (રાંદલના) ગામે રહેતા એક ખેડૂત આધેડ મોટરસાયકલ લઈને પોતાની દીકરીની તબિયત પૂછવા દામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન લાઠી ભવાની સર્કલ પાસે એક અજાણી મહિલાએ હાથ ઊંચો કરી ભુરખિયા સુધીની લિફ્ટ માગી હતી. ભુરખિયા ગેટ પાસે પહોંચતા જ મહિલાએ સરોવર પાસે બાઈક ઊભું રખાવ્યું હતું, જ્યાં તરત જ એક ફોરવ્હીલ કારમાં આવેલા ચાર શખસે બાઈક આડું રાખી આધેડનું બળજબરીથી અપહરણ કરી લીધું હતું. આરોપીઓએ ખેડૂતને માર મારી, બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. 2.50 લાખની ખંડણી માગી હતી, જેમાંથી રૂ. 58,000 ગૂગલપે મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ચકચારી હનીટ્રેપ અને અપહરણના ગુનામાં ભોગ બનનાર ખેડૂત વિઠ્ઠલભાઇ ખોડાભાઇ ટાઢાણીએ પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે મુખ્ય આરોપી નિલેષ ગૌસ્વામી, શ્યામ, અન્ય બે અજાણ્યા ઇસમો અને એક અજાણી મહિલા સહિત કુલ પાંચ આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.