• શુક્રવાર, 17 જુલાઈ, 2026

જૂનાગઢ: લીવ-ઈન પાર્ટનરની હત્યામાં ભૂવા અને સાગરીતોને આજીવન કેદ

ક્ષ          સાંસારિક જીવનમાં નડતરરૂપ બનતી હોવાથી સુરેન્દ્રનગરના સાયલા પાસે ગળું દબાવી લાશ સળગાવી દીધી હતી

જૂનાગઢ, તા.16: જૂનાગઢમાં દોરા-ધાગા અને વિધિ કરતા એક ભૂવાજીએ પોતાના મિત્રો સાથે મળીને તેની સાથે મૈત્રી કરારથી લીવ-ઈન-રિલેશનશીપમાં રહેતી યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. સંસારિક જીવનમાં નડતરરૂપ બનતી હોવાની અદાવતમાં યુવતીને સુરેન્દ્રનગરના સાયલા પાસે વટાવચ્છની સીમમાં અવાવરું જગ્યાએ લઈ જઈ દુપટ્ટા વડે ગળું દબાવી પતાવી દેવાઈ હતી અને પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દેવામાં આવી હતી. વર્ષ 2022ના આ ચકચારી મર્ડર કેસમાં ગઈકાલે જૂનાગઢની પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા મુખ્ય આરોપી ભુવાજી સહિત પાંચ આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

    આ કેસની વિગત મુજબ, મરણજનાર ધારા કડીવારના ભાઈ મિત વિનોદભાઈ કડીવાર દ્વારા જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ પાંચમા એડિશનલ જજ હિતેશકુમાર દામોદરા સમક્ષ ચાલવા પર આવ્યો હતો, જેમાં સરકારી વકીલ એન. ડી. પુરોહિત અને ડી. સી. ઠાકરની ધારદાર દલીલો, 115 દસ્તાવેજી અને 59 મૌખિક પુરાવાઓને ધ્યાને લેવાયા હતા. કોર્ટે મુખ્ય આરોપી સુરજ ઉર્ફે ભૂવાજી લાખા સોલંકી, યુવરાજ લાખા સોલંકી, ગુંજન જીતેન્દ્ર જોશી, મીત આનંદ શાહ અને મુકેશ બીજલ સોલંકીને આજીવન કેદ તેમજ રૂ. 50-50 હજારના દંડની સજા ફટકારી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી મુક્ત કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક