• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

જૂનાગઢના ડેરવાણ ગામે માથાભારે શખસનો આતંક: યુવાનના બાઇકની લૂંટ સાંજે ફરી યુવાનના કાકાના ઘરે તોડફોડ કરી રૂ. બે હજાર લૂંટી ગયો

જૂનાગઢ, તા.17: જૂનાગઢના ડેરવાણના એક માથાભારે શખસે ગામના યુવાનને સીમમાં સવારે આંતરી બાઇકની લૂંટ ચલાવ્યા બાદ કાકાના ઘરમાં પ્રવેશી રૂ. બે હજાર રેકડાની લૂંટ કરી ઘર બહાર પડેલ બાઇકમાં ધારિયાના ઘા મારી નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

જાણવા મળતી વિગત મુજબ ડેરવાણ ગામે રહેતા હર્ષદ ગોહિલ સવારે પોતાની બાઇક ઉપર જઇ રહ્યો હતો ત્યારે તે જ ગામના જશુ ગંભીર ભાટી નામના શખસે રસ્તામાં આંતરી હુમલો કરી, રૂ.25 હજારની બાઇકની લૂંટ કરી નાસી ગયો હતો.

બાદમાં સાંજના સમયે જશુ ભાટી ધારિયા સાથે પીડિતના કાકા બળવંત ઉર્ફે મુન્નો બોઘા ગોહિલના ઘરે ધારિયા સાથે પહોંચી બહાર પડેલા બાઇકમાં ધારિયાના ઘા મારી નુકસાન કરી, વિક્રમભાઇ ઉપર ધારિયાથી હુમલો કરી આતંક મચાવી, બળવંતના ઘરમાં પ્રવેશી હવે ઘરની બહાર નીકળશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ બળવંત ગોહિલે તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.