• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

વીજકંપનીની બોલેરોની અડફેટે સાઇકલ ચડી જતાં વિદ્યાર્થીનું મૃત્યુ મોટા મહીકા ગામની ઘટના

ગોંડલ, તા.18: ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે પીજીવીસીએલની બોલેરોના ચાલકે સાઇકલને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા ધો.7ના વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે રહેતા ઇજાન યુનુસભાઈ સમા નામનો 13 વર્ષનો વિદ્યાર્થી  ત્રણ દિવસ પૂર્વે બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાનાં ગામમાં સાઇકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે પીજીવીસીએલની બોલેરોના ચાલકે સાઇકલને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાન સમાને તાત્કાલિક સારવાર માટે ગોંડલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં માતમ છવાયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક ઇજાન સમા બે ભાઈ એક બહેનમાં મોટો અને ધો.7માં અભ્યાસ કરતો હતો. ઘટનાના દિવસે તે ગામમાંથી સાઇકલ લઈને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે પીજીવીસીએલના બોલેરોના ચાલકે ઠોકરે ચડાવ્યાનું ખૂલ્યું હતું.