• મંગળવાર, 25 જૂન, 2024

રાજકોટ યાર્ડના વેપારીનો પડધરી પાસે ખજૂડી ડેમમાં ઝંપલાવી આપઘાત

આર્થિક ભીંસથી પગલું ભર્યાની શંકા : એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા’તા

રાજકોટ, તા.7 : કોઠારિયા ચોકડી પાસેના વિસ્તારમાં રહેતા અને માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારી યુવાને પડધરી પાસેના ખજૂડી ડેમ (આજીડેમ-3)માં ઝંપલાવી આપધાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.

આ અંગેની વિગત એવી છે કે, કોઠારિયા ચોકડી પાસેની આસોપાલવ સોસાયટીમાં રહેતા અને માર્કેટ યાર્ડમાં કરિયાણાની પેઢી ધરાવતા સાગર સુરેશભાઈ પીપળિયા નામના વેપારી યુવાને પડધરી પાસેના ખજૂડી ડેમ (આજીડેમ-3)માં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ થતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.

આ બનાવના પગલે આજીડેમ ખાતે પહોંચેલી પોલીસને ડેમ પાસેથી બાઇક, બેગ અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. દરમિયાન મૃતક સાગરના મોબાઇલમાં ફોન આવતા પોલીસે રીસિવ કરતા સામેથી સાગરનો મોટોભાઈ કિશન બોલતો હોવાનું જણાવતા મૃતક સાગરની ઓળખ મળી હતી અને આપઘાત કર્યાની જાણ કરતા કિશન સહિતના પરિવારજનો પડધરી દોડી ગયા હતા.

પોલીસની વધુ તપાસમાં મૃતક સાગર પીપળિયા મૂળ લોધિકાના ચાંદલી ગામનો વતની હતી અને પિતા સાથે યાર્ડમાં પેઢી ધરાવતો હતો. એક વર્ષ પહેલા જ સાગરના લગ્ન થયા હતા. મૃતક સાગર બે ભાઇમાં નાનો હતો. મૃતક સાગર આજીડેમ-3 પાસે આવેલા મોડપર ગામે તેના પરિવારના સુરાપુરા દાદાનાં મંદિરે અવાર નવાર દર્શન કરવા જતો હતો. ગઈકાલે બપોરના સાગર તેના પરીચિત ભાવેશભાઈને દુકાને બેસાડી પેમેન્ટ લેવા જવાનું કહી નીકળ્યો હતો. બાદમાં આ પગલું ભરી લીધું હતું. આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભર્યાની પોલીસે આશંકા વ્યકત કરી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક