• શનિવાર, 27 જુલાઈ, 2024

સુરત નારીગૃહમાંથી બે બાંગ્લાદેશી  યુવતી બારીની ગ્રીલ તોડી ફરાર

(ફૂલછાબ ન્યુઝ)

સુરત, તા. 8: સુરતમાં બાંગ્લાદેશથી ગેરકાયદે દેહવેપાર માટે લવાયેલી અને પોલીસ દ્વારા સ્પામાંથી મુક્ત કરાયેલી બે બાંગ્લાદેશી યુવતી ઘોડદોડ રોડ સ્થિત નારી સંરક્ષણ ગૃહની બારીની ગ્રીલ તોડીને ફરાર થઇ ગઇ હતી. હાલ તો ભાગતી બન્ને યુવતી સીસીટીવીમાં કેદ થઈ છે.  

 સૂત્રો પાસેથી મળતી માહીતી અનુસાર બુધવારે બપોરે સમયમાં આ ઘટના બની હતી. નારી સરંક્ષણગૃહમાં  યુવતીને  પહેલા માળે રાખવામાં આવે છે. જમવાના સમયે બધાને બીજા રૂમમાં લઇ જવાય છે. બધી યુવતીઓ તો જમવા માટે જતી રહી હતી પરંતુ આ બને બાંગ્લાદેશી યુવતીઓએ સવારે ભરપેટ નાસ્તો કર્યો હતો અને  જમવાની અનિચ્છા દર્શાવી ત્યાં રોકાઇ હતી. થોડાક સમય બાદ જ્યારે બીજી યુવતીઓ તથા કર્મચારીઓ પરત ફર્યા હતા ત્યારે આ બન્ને ગાયબ હતી. આખું નારી સંરક્ષણગૃહ શોધી નાખવામાં આવ્યું હતું. મુખ્ય દરવાજાને તાળું હોવાની સાથે આગળ વોચમેનની હાજરીમાં બન્ને યુવતી કઇ રીતે ભાગી ગઇ એની તપાસ કરવામાં આવતાં પાછળની તરફ આવેલી રસોડાની બારીની ગ્રિલ તૂટેલી જોવા મળી હતી. બન્ને યુવતી આ ગ્રિલમાંથી બહાર નીકળીને બાજુમાં આવેલા મનપાના પે એન્ડ પાર્ક તરફ થઇને ફરાર થઇ ગઇ હતી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં નજરે પડે છે કે બન્ને યુવતી એકલતાનો લાભ લઈને ગ્રિલ તોડી ત્યાંથી નીચે સરકીને બહાર નીકળી ફરાર થઈ જાય છે. આ પહેલાં થોડી મિનિટો રેકી પણ કરે છે. બાંગ્લાદેશ પરત કરાય એ પહેલાં જ બન્ને યુવતી ફરાર થઇ ગયાની વાતે પોલીસ પણ દોડતી થઈ હતી. ઉમરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પહેલા જાણવા જોગ નોંધી હતી. ત્યાર બાદ સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક