• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

સુરતમાં તબીબ સાથે ટ્રેડીંગના બહાને રૂપિયા 48.50 લાખની ઠગાઈ પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં

સુરત, તા. 27: સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ઓર્થોપેડીક હોસ્પિટલના માલિક સાથે ટ્રેડીંગના બહાને મુળ જયપુરના અને હાલ વેસુ વિસ્તારમાં રહેતા શખસે રૂપિયા 48.50 લાખની ઠગાઈ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે, સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અને વેદાંત ઓર્થોપેડીક હોસ્પિટલના માલિક દેવ દિલિપભાઈ પડીયા(ઉ. 38)ને એક મીટીંગ સમયે મુળ રાજસ્થાનના જયપુરના અને હાલ વેસુ વિસ્તારમાં રહેતા સતીષ કમલકેશ્વર સાથે ઓળખાણ થઈ હતી. બાદમાં આરોપીએ તબીબને મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સીયલ સર્વીસીસ લી. કંપનીમાં પોકાણ કરો અને તેમના વતી સતીષ પ્રોવાઈડર બનીને ટ્રેડીંગ કરશે તેવી વાત કરી હતી તેમજ જે નફો થશે તેમાં 75 ટકા તબીબના અને 25 ટકા રકમ સર્વિસ પ્રોવાઈડરના રહેશે તથા જો નુકશાન થાય તો 15 ટકા સુધીના નુકશાનીમાં બંનેના 50-50 ટકા અને તેથી વધારે રકમની નુકશાની જાય તો સંપૂર્ણ જવાબદારી સર્વિસ પ્રોવાઈડરની રહેશે તેવી વાત કરીને તબિબને વિશ્વાસમાં લીધા હતાં.

જે બાદ તબીબે આરટીજીએસ અને ચેક દ્વારા રૂપિયા 51.50 લાખનું રોકાણ કર્યું હતું. જેના બદલામાં આરોપી સતીષે સાઉથ ઈન્ડિયા બેંકની વેસુ શાખાના ચાર ચેક આપ્યાં હતાં. આરોપીએ શરૂઆતના સમયમાં નફા પેટે તબીબને રોકડા અને ચેક દ્વારા રૂપિયા 11.50 લાખ આપ્યાં હતાં. જે બાદ તબીબે બાકી રહેલી રકમ રૂપિયા 48.50 લાખની અવારનવાર ઉઘરાણી કરતા આરોપીએ પરત નહીં આપતા આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સતીષને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

 

 

Budget 2024 LIVE