• મંગળવાર, 23 એપ્રિલ, 2024

કમઢિયા ગામે યુવાનની હત્યા કરાયાનું ખૂલ્યું : પત્ની શંકાના દાયરામાં નવ માસ પૂર્વે લાશ મળી’તી

ગોંડલ, તા.ર1: કમઢિયા ગામે રહેતા મુકેશ ડાયાભાઈ પરમાર નામના યુવાનની ગત તા.ર6/પ/ર3ના મોડીરાત્રીનાં મકાનની છત પરથી ગળામાં ચુંદડી બાંધેલી તેમજ મોઢા-ગળાના ભાગે ઈજાના નિશાન સાથે લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તબીબોએ હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યાનો રિપોર્ટ દર્શાવ્યો હતો.

આથી મૃતક મુકેશના પિતાએ શંકા દર્શાવતા મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં મૃતક મુકેશનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં બનાવના દિવસે મૃતક મુકેશ બાઇક લઈને ગામના પાદરે નીકળ્યો હતો અને પિતા ડાયાભાઈ સાથે ખેતી કામની વાત કરી કામ સોંપ્યું હતું.

દરમિયાન રાત્રીના મુકેશની પત્નીનો પિતા ડાયાભાઈને ફોન આવ્યો હતો અને ઘેર પહોંચતા મુકેશની લાશ જોવા મળી હતી અને આ બનાવ અંગે ડાયાભાઈએ પુત્રવધૂ કંચન સામે શંકા વ્યક્ત કરી હતી. પોલીસે ડાયાભાઈ પરમારની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી શંકાના દાયરામાં રહેલી પત્ની કંચનની પૂછતાછ શરૂ કરી હતી તેમજ મૃતક મુકેશના મોબાઇલના કોલ ડિટેઇલના આધારે પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક