• મંગળવાર, 23 એપ્રિલ, 2024

જસદણમાં શરમાળિયા દાદા મંદિરના સાધુ પર હુમલો, બે શખસ ઝડપાયા

બન્ને શખસે સાધુને ઢસડીને મોઢા પર પથ્થરના ઘા ઝીંકી કર્યો’તો હુમલો

 

જસદણ, તા.21: જસદણમાં બે દિવસ પહેલા જૂના બસ સ્ટેશન નજીક આવેલ શરમાળિયા દાદા મંદિરના પ્રૌઢ સાધુ પર મોડી રાત્રીના સમયે કોઈ અજાણ્યા અસામાજિક તત્ત્વો દ્વારા જીવલેણે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સાધુ સમાજ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનામાં મંદિરના સાધુને અસામાજિક તત્ત્વો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને મંદિરમાં ઢસડી મોઢા પર પથ્થરના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. આ હુમલામાં મંદિરના સાધુને ગંભીર ઇજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે આ ઘટનાની જાણ થતા સાધુ સમાજ સહિતનાં હિન્દુ સંગઠનો મંદિર ખાતે દોડી ગયા હતા અને હુમલાખોરોને પાડી આકરી સજા કરવામાં આવે તેવી માગ સાથે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાના પગલે ભક્તજનો અને સેવકોનાં ટોળેટોળાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને અજાણ્યા અસામાજિક તત્ત્વો સામે રોષ ઠાલવ્યો હતો.

બાદમાં આ ઘટના અંગે જસદણ પોલીસ મથકમાં જાણ કરાતા પીઆઇ ટી. બી. જાની સહિતના સ્ટાફે ગણતરીની કલાકોમાં સાધુ પર હુમલો કરનાર વિજય ઉર્ફે કાનો કરશન સાંબડ (રહે. જસદણ, ધોબી કોલોની, મફતિયાપરા) અને વલ્લભ ઉર્ફે સરદાર પોલા ધોડકિયા (રહે. જસદણ, વાજસુરપરા શેરી નંબર-2) નામના બન્ને શખસની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. જો કે સાધુ પર હુમલો કરનાર બન્ને શખસ અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક